
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલમાં ભાવ ઘટતા ઓઈલ કંપનીઓ માટે પેટ્રોલ અને ડિઝલમાં તગડો નફો થઈ રહ્યો છે. છેક માર્ચ માસથી ક્રુડતેલ સતત 70 ડોલર પ્રતિ બેરલની નીચે રહ્યું છે અને તેથી ઓઈલ કંપનીઓને ડિઝલમાં પ્રતિ લીટર રૂા.8.10 અને પેટ્રોલમાં રૂા.11.20નો નફો થઈ રહ્યો છે છતાં પણ આ કંપનીઓ કે સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા માંગતી નથી.
એક રિપોર્ટ મુજબ ઓપેક અને તેના સાથી રાષ્ટ્રોએ એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન ક્રુડતેલની સપ્લાય 2.2 મિલિયન બેરલ પ્રતિ દિન વધારી હતી. જેની સામે માંગ 0.68 મિલિયન બેરલ પ્રતિ દિન રહી છે. આમ સપ્લાય વધુ છે અને અંદાજે 1.5 મિલિયન બેરલ પ્રતિદિનનની ઓવર સપ્લાયના કારણે ક્રુડતેલના ભાવમાં સતત ઘટાડો રહ્યો છે જેના કારણે ઓઈલ કંપનીઓનો નફો તગડો બની રહ્યો છે.
ભારતની ઓઈલ કંપનીઓ રૂા.8થી11 સુધીની કમાણી કરી રહી છે. પરંતુ સરકારે હજુ સુધી તેની અસર ગ્રાહકોને મળે તે જોયુ નથી. ખાસ કરીને હવે બિહારની ચૂંટણીની રાહ જોવાય છે. સરકારની દલીલ એવી છે કે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ એલપીજીમાં ખોટ કરે છે અને સરકારને 30 હજાર કરોડની સબસીડી આપવી પડી છે અને તેથી ઓઈલ અને ડિઝલની કમાણી એ પ્રકારની સબસીડીમાં જાય છે.