
ગાંધીનગરમાં પાંચ દાયકા જૂના અને જર્જરિત બની ગયેલા સરકારી આવાસોને તોડી પાડવાની કામગીરીનો વધુ એક રાઉન્ડ આગામી સમયમાં શરૂ થશે. આ વખતે સેક્ટર-21 અને 22માં જોખમી જાહેર કરવામાં આવેલા કુલ 37 બ્લોક ઉતારી પાડવામાં આવનાર છે. આ આવાસો રહેવાલાયક ન હોવાથી અને ખંડેર હાલતમાં ફેરવાઈ જતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી માટેની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે અને હાલ ટેન્ડર ફાઇનાન્સ વિભાગમાં મંજૂરી માટે છે. ફાઈનલ મંજૂરી મળતાંની સાથે જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
શહેરના સક્ટર-21 અને 22માં જર્જરીત થયા બાદ જોખમી જાહેર કરીને વસવાટ ખાલી કરાવવામાં આવેલા આવાસ જમીનદોસ્ત કરી સરકારી જગ્યા ખુલ્લી કરવા માટેની કવાયત પાટનગર યોજના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સેક્ટર- 21ના 17 બ્લોક સહીત 168 યુનિટ, સેક્ટર- 22ના 20 બ્લોક તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. આમાં મુખ્યત્વે ચ, જ-1 અને છ કક્ષાના આવાસોનો સમાવેશ થાય છે. આ મકાનો હવે ખૂબ જ જૂના અને જોખમી બની ગયા છે, જેથી ગમે ત્યારે કોઈ દુર્ઘટના થવાનો ભય રહે છે.
આ ખંડેર બની ગયેલા મકાનોમાં ઘણીવાર ઘૂસણખોરીના બનાવો પણ બનતા હોય છે, જેના કારણે બારી-બારણા અને લોખંડની ગ્રીલ સહિતના માલસામાનની ચોરી થતી રહે છે. આ પરિસ્થિતિને જોતાં, આ આવાસોને ઝડપથી તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આવાસો તોડી પાડવામાં આવ્યા બાદ ખુલ્લી થનારી જગ્યામાં ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે તંત્ર દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેન્ડરને મંજૂરી મળ્યા બાદ આ બંને સેક્ટરોમાં આવાસ તોડાશે.