
ગાંધીનગર શહેર પાસેના જીઇબી છાપરા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર ઉપર આભ તુટી પડ્યુ છે. મજુરી કરીને પેટીયુ રળતો પરિવાર સામાજિક પ્રસંગે બાયડ ગયો હતો. તે દરમિયાન ઘરમાં અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા દાગીના અને રોકડ સહિત કુલ 10 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવ બાદ છાપરાના માલિક પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથક ગયા હતા, પરંતુ પોલીસે માત્ર અરજી લઇને સંતોષ માનતા રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે માલિક ચોરી કરનારના પુરાવા નામશેષ ના થઇ જાય માટે મકાનની અંદર પણ ગયા નથી. મળતી માહિતી મુજબ મગનભાઇ હરિભાઇ ઠાકોર (રહે, જીઇબી છાપરા વિસ્તાર, મૂળ રહે, ગોકુલપુરા, રાધનપુર) ગાંધીનગરમાં ઇલેક્ટ્રીકની કામગીરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગત 19 ઓગસ્ટના રોજ તેમના પરિવાર સાથે બાયડના ડાભામાં રહેતા મામા સસરાના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી ગયા હતા.
જ્યારે તેમની મકાનના દરવાજે તાળુ મારવામાં આવ્યુ હતુ અને તેની ચાવી સામે રહેતા ભત્રીજાના ઘરે આપવામાં આવી હતી અને કહ્યુ હતુ કે, આજે રાતે તુ મકાનએ સુવા માટે જજે, કારણ કે અમે બહાર જઇએ છીએ. જ્યારે સામે રહેતો ભત્રીજો રાતના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં ઓરડી ઉપર આરામ કરવા જતા મકાનના દરવાજે લગાવેલુ તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ. જેથી ભત્રીજાએ ફોન કરીને કાકાને જાણ કરતા બાયડથી ઘરે આવી ગયા હતા અને ઘરમાં પ્રવેશ કરી જોતા મકાનમાં રહેલી એક પતરાની પેટીને મારવામાં આવેલુ તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ અને તેમાં મુકવામાં આવેલા દાગીનામાં સોનાની ચાર બંગડી, સોનાના બે દોરા, સોનાની પાંચ વીંટી, ચાંદીની પાંચ વીંટી, બુટ્ટી, કાનની કડીઓ, એક નંગ સોનાનો ઓમ, પાંચ નંગ સોનાની ચૂની, 400 ગ્રામ ચાંદીની કાંબીયો, 4 ચાંદીના સિક્કા અને રોકડા 2.70 લાખ રૂપિયા મળી કુલ 10 લાખની માલમત્તાની ચોરી કરી અજાણ્યો ચોર પલાયન થઇ ગયો હતો. આ બનાવ બાદ મકાનના માલિક પોલીસ મથકે ફરિયાદ કરવા જતા તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. સતત પાંચ દિવસ સુધી ધક્કા ખાવા છતા પોલીસ ફરિયાદ નહિ લેતા રોષ જોવા મળી રહ્યો છે.