
સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પડતર પ્રશ્નોના મામલે તારીખ પે તારીખ જેમ ધરણાં ઉપર ધરણાંના કાર્યક્રમો કરવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગ પાસે સમય નથી. ત્યારે અધ્યાપકોની ધીરજ ખૂટી પડતા આગામી 30મી, ઓગસ્ટના રોજ ધરણાં યોજીને પડતર પ્રશ્નો જેવા કે કોલેજોમાં ઉભી થયેલી શૈક્ષણિક અસંતુલને સરખું કરવું, સીએએસની અમલવારી સહિતના મુદ્દા વણઉકેલ્યા રહ્યા છે તે મામલે લડત ચલાવવામાં આવશે.
રાજ્યભરની સરકારી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત રાજ્યના શિક્ષણ વિભાગમાં કરવામાં આવી છે.
તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંખ આડા કાનની નીતિ અપનાવવામાં આવી રહી છે. આથી સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પ્રશ્નો વણઉકેલ્યા રહેતા અનેક વખત વિરોધ કાર્યક્રમો યોજવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જ નિર્ણય લેવાયો નથી. ત્યારે સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો વધુ એક વખત ધરણાં કાર્યક્રમથી વિરોધ 30મી, ઓગસ્ટના રોજ કરવામાં આવનાર છે.
સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પડતર પ્રશ્નોમાં રાજ્યભરની અનેક કોલેજોમાં શૈક્ષણિક અંસતુલનની સ્થિતિ ઉભી થતાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધારે અધ્યાપકો તો અમુક કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા અધ્યાપકો જેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે આવી સ્થિતિને દુર કરવા જે કોલેજોમાં અધ્યાપકોની જગ્યાઓ ખાલી તે કોલેજમાં વધમાં રહેલા અધ્યાપકોને મુકવામાં આવે તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડે નહી. વધુમાં અધ્યાપકોને મળવાપાત્ર સીએએસનો લાભ છેલ્લા દોઢ વર્ષથી મળ્યો નથી. વધુમાં રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના 150 અને ડિપ્લોમા કોલેજના 300થી વધારે અધ્યાપકોને વર્ષ-2016થી મળવાપાત્ર એજીપી મુવમેન્ટનો લાભ મળ્યો નથી.