
ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પણ 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ની ત્રણ દિવસની ઉજવણી માટે તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવશે. આ માટે, કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને સક્રિય કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક મોટો રમત-ગમતનો કાર્યક્રમ અને તાલુકા સ્તરે અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ માટે જિલ્લાવાર નોડલ અધિકારીઓ (DSDO અને DSO)ની નિમણૂંક કરવામાં આવશે. વધુમાં, તમામ જિલ્લાઓમાં વીઆઇપી અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી માટે ગુજરાતમાં 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ દિવસે, એટલે કે 29 ઓગસ્ટ, 2025ના રોજ તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ પ્રતિસ્પર્ધીઓ દ્વારા ‘ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા છે: પ્રથમ દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત, તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં રમત-ગમત સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, સેમિનાર, શારીરિક અને માનસિક ફિટનેસ પર ચર્ચાઓ, પોસ્ટર મેકિંગ જેવી પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવશે. આ સાથે જ, આ દિવસે ‘ખેલ મહાકુંભ 2025’ માટે તમામ જિલ્લાઓમાં રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્યના પોલીસ વિભાગના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રમત-ગમત સ્પર્ધાઓ અને ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે થનારી સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં અન્ય વિભાગો પણ હિસ્સો લેશે. ત્રીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્યના તમામ જિલ્લા મુખ્યાલયો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ‘સન્ડે ઓન સાયકલ’ (રવિવારનો દિવસ સાયકલ પર) કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો સક્રિય રીતે જોડાશે. જેમાં રમત-ગમત વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ ખાતું, શહેરી વિકાસ અને આવાસ વિભાગ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો તેમજ અન્ય તમામ વિભાગોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો આ કાર્યક્રમ અંગે રાજ્યના નાગરિકોમાં જાગૃતિ લાવશે અને લોકો સક્રિય રીતે આ કાર્યક્રમમાં જોડાય તે સુનિશ્ચિત કરશે.