
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ ટ્રમ્પ પ્રશાસનના નિશાના પર આવતાં જોવા મળી રહ્યાં છે. એચ-1બી વિઝા સિસ્ટમ, ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર હુમલા બાદ હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલાં વિઝા, એફ વિઝા (વિદ્યાર્થીઓ) અને જે વિઝા (એક્સચેન્જ વિઝિટર્સ) સાથે સંકળાયેલાં વિઝામાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી છે.
આ ફેરફારો હેઠળ અમેરિકાનાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (ડીએચએસ)એ હવે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા માટે લાંબા સમયથી ચાલી આવતી ‘ડયુરેશન ઓફ સ્ટેટસ’ નીતિનો અંત લાવવાનાં નિયમનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યાર સુધી, વિદ્યાર્થીઓનાં એફ વિઝાની સમાપ્તિ તરીકે નિયત સમયમર્યાદાને બદલે તેમનાં પર ‘ડયુરેશન ઓફ સ્ટેટસ’ લખેલું આવતું હતું.
નવાં ફેરફારોથી વિદ્યાર્થી અને જે વિઝાને અસર થશે, જેનો ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ આ નિયમથી સરકારી અધિકારીઓને શૈક્ષણિક વિષય કે અભ્યાસ સ્તરમાં થતાં ફેરફારોને મંજૂરી આપવામાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર પણ મળશે.
હાલ જે વિદ્યાર્થીઓ એફ વિઝા પર અમેરિકા પહોંચ્યાં છે તેઓ જ્યાં સુધી તેમનું નામ શાળા કોલેજોમાં રહે ત્યાં સુધી દેશમાં રહી શકે છે. નવી દરખાસ્તમાં, અભ્યાસક્રમની અવધિને ધ્યાનમાં લીધાં વિના, વિઝા પર એક ચોક્કસ એકસપાયરી તારીખ પર મહોર મારવામાં આવશે, જેનાં માટે કેટલાક વિદ્યાર્થીઓને અધવચ્ચેથી ડેડલાઇન રીન્યુ કરવાની જરૂર પડી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે, ઘણાં વિદેશી વિદ્યાર્થીઓ અનુસ્નાતક ડિગ્રી, પીએચડી અથવા સંકલિત સંશોધન કાર્યક્રમો જેવાં લાંબાં અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે. આ ડેડલાઈનને ચોક્કસ ડેડલાઈનથી કાપવાનું જોખમ રહેલું છે, જેનાં કારણે સેમેસ્ટરની વચ્ચે વીઝા એક્સપાયર થવાની શક્યતા વધી જાય છે.
નિષ્ણાતો કહે છે કે, આ ફેરફારો વિદ્યાર્થીઓને વહીવટી વિલંબના ચક્કરમાં ધકેલી દેશે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની હાજરીને અમાન્ય કરશે. તેમનાં કોઈ દોષ વગર તેઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ભારતનાં વિદ્યાર્થીઓ માટે, આનો અર્થ એ થઈ શકે છે કે યુ.એસ.માં તેમની શૈક્ષણિક યાત્રીની યોજનાઓ પર ફરીથી વિચાર કરવો. 2024 માં, 420,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુ.એસ. માં હતાં, જે કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં 27 ટકા સાથે અત્યાર સુધીનાં સૌથી વધુ છે.
બીજી તરફ ટેરિફને લઈને તણાવ વચ્ચે ટ્રમ્પનાં આર્થિક સલાહકાર કેવિન હાસેટે ભારતને ચેતવણી આપી છે. હેસેટે જણાવ્યું હતું કે, “જો ભારત ઝુકવાનો ઇનકાર કરશે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાનું વલણ નરમ નહીં કરે.” બીજી તરફ ટ્રમ્પનાં અન્ય આર્થિક સલાહકાર પીટર નાવારોએ પણ ભારતીયોને ઘમંડી અને જિદ્દી ગણાવ્યાં છે.