વસ્ત્રાપુરમાં 40 વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના, આ વર્ષે પર્યાવરણ બચાવો અને ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ

Spread the love

 

 

ગણેશોત્સવમાં અનેક જગ્યાએ મોટા પંડાલો બનાવી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ કરવામાં આવી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા 39 વર્ષથી ભગવાન ગણેશની રંગેચંગે સ્થાપના કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. સરદાર પટેલ સેવા દળ દ્વારા વસ્ત્રાપુર કા મહા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે (30 ઓગસ્ટ) રાત્રે 9 વાગ્યે વસ્ત્રાપુરના આ ગણપતિ પંડાલની મુલાકાત લઈ દર્શન અને આરતી કરશે.
ભાજપના નેતા AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ સહિતના વસ્ત્રાપુરના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર, પર્યાવરણ બચાવો, આત્મનિર્ભર ભારત અને લોકલ પર વોકલનો મેસેજ આપતી થીમ ઉપર આકર્ષક લાઇટિંગ સાથે ગણેશ પંડાલ બનાવી ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ક્ટઆઉટ પણ રાખવામાં આવ્યા છે. અહીં દરરોજ સાંજે મહાઆરતી કરવામાં આવે છે, જેમાં અલગ-અલગ ભાજપના નેતાઓ અને મંત્રીઓ ભાગ લેતા હોય છે. આજે અમિત શાહ અમદાવાદ આવવાના છે, ત્યારે રાત્રે 9 વાગ્યે તેઓ મહાઆરતીમાં ભાગ લેશે.
વસ્ત્રાપુર કા મહા ગણપતિ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેના માટે વસ્ત્રાપુર નેહરુ પાર્કની આસપાસમાં આવેલા ફ્લેટો અને સોસાયટીઓમાં અષાઢી બીજથી સરદાર પટેલ સેવા દળના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈ ફાળો ઉઘરાવે છે. જે વ્યક્તિ યથાશક્તિ પ્રમાણે જેટલો ફાળો આપે તેટલો સ્વીકાર કરી લેવામાં આવે છે.
સરદાર પટેલ સેવા દળના આગેવાન ધરમશી દેસાઈએ જણાવ્યું કે, વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ગણેશ પંડાલમાં ભગવાનના દર્શન અને આરતી માટે આવતા હોય છે. દસ દિવસ સુધી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવતી હોય છે. દસ દિવસ ભગવાનની ભક્તિ કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે વાજતે-ગાજતે વસ્ત્રાપુર તળાવ પાસે જ બનાવેલા વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવતું હોય છે.
સરદાર પટેલ સેવા દળ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ મા કે નામ થીમ ઉપર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. વસ્ત્રાપુરના જ અમારા પરિવારના 125 જેટલા યુવાનો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે. પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, જેથી લોકોમાં રાષ્ટ્રવાદ ઉભો થાય અને અમદાવાદ તેમજ વસ્ત્રાપુર હરિયાળુ થાય તેનો મેસેજ આપતી થીમ પર પંડાલ બનાવવામાં આવ્યો છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વારાણસીની થીમ પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. વારાણસી થીમ પર ગણેશ પંડાલ સજાવવામાં 1.5 મહિનો લાગ્યો હતો. વારાણસીમાં આવેલા અલગ અલગ ઘાટ આવેલા છે જે તમામ ઘાટ બનાવવામાં આવ્યા છે. સાધુ-સંતો સહિતના લોકોની પ્રતિકૃતિ સાથે નદીમાં નાવડી પણ બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની થીમ ઉપર બનાવેલા ગણપતિ પંડાલમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.
મનોકામનાપૂર્ણ યુવક મંડળ દ્વારા આ થીમ રાખવાનો મુખ્ય હેતુ છે કે, લોકો હવે સનાતન ધર્મ તરફ વળે તેને ધ્યાનમાં રાખીને તે આખું વારાણસી થીમ પર આ ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ મંડળ દ્વારા મનોકામના પેટી મૂકવામાં આવી છે, જ્યા ભક્તો તેમની મનોકામના લખે છે. અહીં એવી પણ માન્યતા છે કે ભક્તો જે મનોકામના લખે તે પૂર્ણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *