
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલ (ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ)ની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌને સાથે લઈને વિકાસ કરવાના સંકલ્પથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. તેમણે દેશમાં આઝાદી બાદ પ્રથમ વખત સહકાર મંત્રાલયની રચના અને યુવા સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્રને સાકાર કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, ગુજકોમાસોલ જેવી સંસ્થાઓ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના ધ્યેયને સફળતાપૂર્વક ચરિતાર્થ કરી રહી છે. આ સંસ્થા ખેડૂતોને સરળતાથી ખાતર, બિયારણ અને દવાઓ પૂરી પાડી રહી છે, જેનાથી તે ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની છે.
છેલ્લા 11 વર્ષમાં દેશમાં 8 લાખથી વધુ સહકારી સંસ્થાઓએ અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન આપ્યું છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અનેક સુધારા થયા છે, જેના પરિણામે 1500 જેટલી એ.પી.એમ.સી.ને ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ સાથે જોડવામાં આવી છે. જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજકોમાસોલ રાજ્યની એક અગ્રણી સહકારી સંસ્થા છે જે છેવાડાના ખેડૂતો સુધી ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ પહોંચાડે છે. તેમણે કહ્યું કે, સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર 10,000 કરોડથી વધુ છે અને તે 20% ડિવિડન્ડ પણ આપે છે. જ્યારે ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, ભારત સરકાર અને રાજ્ય સરકારના નિર્ણયોના કારણે સંસ્થા સભાસદોને 20% ડિવિડન્ડ આપી રહી છે. એક સમયે 5 કરોડનો વાર્ષિક નફો કરતી આ સંસ્થા આજે 14 કરોડનો ઇન્કમટેક્સ ભરે છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ “વન ડિસ્ટ્રિક્ટ, વન ક્રોપ” યોજના અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર જયેશભાઈ રાદડિયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિ અને ગુજકોમાસોલની સિદ્ધિઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.