ટ્રાફિક પોલીસનું જાહેરનામું : શાસ્ત્રી બ્રિજ પર એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો

Spread the love

 

શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ (વિશાલા બ્રિજ) સમારકામ માટે એક તરફ બંધ કરવામાં આવ્યો છે. નારોલ- પીરાણાથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ બંધ કરીને ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોના અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતા એક જ તરફથી બંને તરફનો અવર-જવરનો રસ્તો ચાલુ રહેતો હોવાના કારણે વાહનોનો ટ્રાફિકજામ થઈ શકે છે.
અમદાવાદના વિશાલાનો શાસ્ત્રી બ્રિજ પર બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થઈ ગયું હોવાના કારણે તેને રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આવતીકાલે 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી પીરાણાથી વિશાલા જંકશન તરફ રીપેરીંગ અને નિરીક્ષણના કારણે મોટી મશીનરી મુકવાની હોવાથી એક તરફ બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માત્ર વિશાલા જંકશન થી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે બંને તરફથી વાહનો અવર-જવર કરી શકશે. જોકે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ભારે અને મધ્યમ પ્રકારના વાહનો ત્યાંથી પસાર થઈ શકશે નહીં.
ફરી એકવાર શાસ્ત્રી બ્રિજને રીપેરીંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં રીપેરીંગ દરમિયાન પણ આ જ પ્રકારે બ્રિજ પર એક જ તરફનો ભાગ ચાલુ રાખવામાં આવતા એક કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ત્યારે શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ ઉભો કરવો જરૂરી બને છે. બ્રિજ ઉપર ટ્રાફિક પોલીસ જો મૂકવામાં આવશે તો વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે નહીં. દરરોજ આ બ્રિજ પરથી 5,000 થી વધારે વાહનો પસાર થતા હોય છે ત્યારે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *