
અમદાવાદ ફાયર વિભાગનાં 176માંથી 80 વાહન એવાં છે જે ખખડી ગયાં છે, એટલે કે તેમનાં ફિટનેસ સર્ટિફિકેટ 10 વર્ષથી એક્સપાર્યડ થઈ ગયાં છે. તેમનો વીમો કે પીયુસી પણ નથી. કેન્દ્રની ઈ પરિવહન વેબસાઇટ પર આ બાબતનો ખુલાસો થયો છે. જ્યારે ફાયરવિભાગનાં 62 વાહનનો કોઈ રેકોર્ડ જ નથી. ફાયરબ્રિગેડ પાસે 236 વાહન છે, જેમાં પાણીની કેપિસિટી ધરાવતાં વાહનો, ઈમરજન્સી રેસ્ક્યુ ટૂલ્સનાં વાહનો, એમ્બ્યુલન્સ અને ડેડબોડી વાનનો સમાવેશ થાય છે. ફાયરબ્રિગેડનાં માત્ર 34 વાહનનાં જ ફિટનસ, પીયુસી અને ઇન્સ્યોરન્સ વેલિડ છે. ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર થઈ જાય તો લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાય છે. શહેરભરમાંથી ફાયર વિભાગને આગ સહિતની ઇમર્જન્સીમાં રોજના સરેરાશ પાંચ કોલ મળે છે ત્યારે તેમનાં જ વાહનોના ડોક્યુમેન્ટ જ ક્લીયર નથી. ફાયરની 6 એમ્બ્યુલન્સનાં ફિટનેસ સર્ટિફિકેટ 2015થી 2025 દરમિયાન એક્સપાયર્ડ થયાં છે. જ્યારે 15માંથી 10 ડેડબોડી વાનની ફિટનેસ એક્સપાયર્ડ, ત્રણની ફિટનેસ વેલિડ હતી.
ચીફ ફાયર ઓફિસર અમિત ડોન્ગરેએ કહ્યું કે, ટૂંક સમયમાં વાહનોની ફિટનેસ ચેક કરાવાશે. મ્યુનિ.એ 13 વર્ષ પહેલાં વિદેશી ટનટેબલ લેડર ખરીદી હતી, જેમાં સોફટવેરની સમસ્યા આવી હોવાથી તે ઉકેલવાની છે, જે માટે વિદેશથી ટેકનિશિયન બોલાવાશે. મોટર વ્હીકલ એક્ટ મુજબ ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવી ન શકાય. જો કોઈ વાહન ઇન્સ્યોરન્સ વગર પકડાય તો 2થી 5 હજારના દંડની જોગવાઈ છે. ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર હોય તો 2થી 10 હજારના દંડની જોગવાઈ, લાઇસન્સ સસ્પેન્ડ અથવા જેલ પણ થઈ શકે છે. વાહન વ્યવહાર વિભાગના નિવૃત્ત સંયુક્ત નિયામક જે.એન. બારેવાડિયાએ કહ્યું,”જે નિયમો નાગરિકોને લાગુ પડે છે તે જ નિયમો ફાયર વિભાગ, પોલીસ વિભાગ સહિતના સરકારી વિભાગના વાહનોને લાગુ પડે છે”.