
અમદાવાદની નજીક એક ગામમાં માનવતાનું ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં એક થર્ડ પાર્ટીના ફોન કોલથી એક અપહરણ થયેલી મહિલાનો જીવ બચી ગયો હતો. મહિલા હેલ્પલાઇન 181ને સાંજના સમયે એક કોલ મળ્યો કે, લપકામણ ગામમાં એક ભયભીત અને ખોવાયેલી મહિલા મળી આવી છે, જેને તાત્કાલિક મદદની જરૂર છે. 181ની અભયમ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું. મહિલાએ જે જણાવ્યું તે ખૂબ જ આઘાતજનક હતું. તેણે કહ્યું કે તે અને તેનો ભાઈ બજારમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે ચાર-પાંચ યુવકોએ તેને બળજબરીપૂર્વક ઇકો ગાડીમાં બેસાડી દીધી. તે પછી તેને કશું યાદ નથી. જ્યારે તેની આંખ ખુલી, ત્યારે તે એક અજાણ્યા ઘરે હતી, અને ત્યાંથી તે ભાગી નીકળી છે.
ભય અને આઘાતમાં તેણે એક આખો દિવસ રસ્તા પર ભટકતાં વિતાવ્યો અને રાત્રે રસ્તા પર જ રહી હતી. ભટકતાં-ભટકતાં તે લપકામણ ગામ પહોંચી, જ્યાં ગામના જાગૃત નાગરિકોએ તેની હાલત જોઈને તુરંત જ 181 પર કોલ કર્યો. આ કોલથી જ મહિલાને સમયસર મદદ મળી અને તે સુરક્ષિત રહી શકી. મહિલાના ભાઈનો ફોન નંબર મેળવીને તેના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ નંબર બંધ આવતા રાત્રિના સમયે સુરક્ષા અને રહેઠાણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને આશ્રય આપવાનો નિર્ણય લેવાયો. સોલા પોલીસ સ્ટેશનની મદદથી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર (OSC) સોલા સિવિલમાં સુરક્ષિત આશ્રય માટે મોકલી દેવામાં આવી છે