
સ્પર્ધામાં વિજેતા તરીકે નામ જાહેર થયા બાદ સિનિયર સિટિઝને ગૂગલ ઉપર કંપનીનું નામ સર્ચ કરીને તેમાં દર્શાવેલા નંબર ઉપર ફોન કર્યો હતો. જેમાં સાઈબર ગઠિયાઓએ સિનિયર સિટિઝનને પેટીએમથી પૈસા આપવાનું કહીને 2 ટ્રાન્ઝેક્શનથી રૂ.1.02 લાખ પડાવી લીધા હતા. આ માટે સાઈબર ગઠિયાઓએ ગૂગલ સર્ચ ઉપર તે કંપનીના નામનું ડમી એકાઉન્ટ ખોલીને પોતાનો મોબાઈલ નંબર મૂક્યો હતો. નારણપુરાના મંગલમૂર્તિમાં રહેતા મહેશચંદ્ર જોશીએ એક સ્પર્ધામાં ફોર્મ ભર્યું હતું. જેમાં વિજેતા તરીકે તેમનું નામ હતું. જો કે તે વાતને 5 દિવસ થઈ ગયા હતા. તેમ છતાં કંપનીમાંથી તેમના ઉપર ફોન આવ્યો ન હતો. જેથી મહેશચંદ્રે ગૂગલ ઉપર સર્ચ કરીને નંબર મેળવીને તેના પર ફોન કર્યો હતો. પરંતુ કોઈએ ફોન ઉપાડયો ન હતો. જ્યારે થોડા સમય બાદ સામેથી તેમના ઉપર ફોન આવ્યો હતો અને તમે સ્પર્ધામાં વિજેતા થયેલા છો. તેની રકમ તમારા પેટીએમમાં મોકલવાની છે. જેથી તમે તમારુ પેટીએમ ઓપન કરો. જેથી મહેશચંદ્ર એ પેટીએમ ઓપન કર્યા બાદ સામે વાળાએ તેમને ઓન લાઈન પ્રોસેસ કરાવી હતી. તે પ્રોસેસ કરતાની સાથે જ મહેશચંદ્રના એકાઉન્ટમાંથી રૂ.30,146 ઉપડી ગયા હતા. ગઠિયાએ કહ્યું કે ભૂલથી તમારા પૈસા અમારા ખાતામાં આવી ગયા છે. તે પૈસા અમે તમને પાછા આપીએ છીએ. તમે ફરીથી પેટીએમ ચેક કરો. જેથી મહેશચંદ્રે પેટીએમ ચેક કરતા તેમના એકાઉન્ટમાંથી બીજા રૂ.71,990 ઉપડી જતાં તેમણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કહે છે ગૂગલ સર્ચ ઉપર મળતા નકલી હેલ્પ લાઈન નંબરોથી લોકોએ સાવધ રહેવું. વેબસાઈટ પરથી મળતા નંબરનું કન્ફર્મેશન કરો. થર્ડ પાર્ટી વેબસાઈટ અથવા ગૂગલ સર્ચ પર વિશ્વાસ ન કરો. કોઈ પણ અજાણી લીંક કે એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહીં.