
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2026થી યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારી રૂપે સ્કૂલ અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં આ કામગીરી પૂર્ણ કરવાનો કાર્યક્રમ છે. બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે શિક્ષકોની મોટી સંખ્યામાં જરૂર રહેતી હોય છે. તેથી શિક્ષકોનું અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવી તેમની વિગત એકત્ર કરવાનો પ્રયોગ દર વર્ષે કરવામાં આવે છે. રાજ્યની નવી સ્કૂલોને આ વર્ષે નવેસરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જ્યારે હાલની સ્કૂલો પોતાની માહિતી અપડેટ કરશે. રજિસ્ટ્રેશન વખતે વર્ગવાર વિદ્યાર્થીઓની સંખ્યા, સ્કૂલનું નામ અને સરનામાની ખરાઈ સાથે કોઈ ફેરફાર હોય તો તે બોર્ડની શાળા નિયંત્રણ શાખા સાથે સંકલન કરીને સુધારવો પડશે. શિક્ષક રજિસ્ટ્રેશન દરમિયાન નવા નિમણૂક થયેલા શિક્ષકો ઉમેરવા, નિવૃત્ત કે રાજીનામું આપેલા શિક્ષકોને ઈનએક્ટિવ કરવા તેમજ હાલ ભણાવતા વિષય અને અનુભવની વિગત ચોક્કસ સુધારવાની રહેશે.