
મધ્ય ઝોનના દરિયાપુર, અસારવા અને અન્ય વોર્ડમાં આરસીસી રોડ બનાવવાના કામમાં મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાની ચર્ચા છે. દરિયાપુર, અસારવા અને અન્ય વોર્ડમાં આરસીસી રોડ બનાવવા માટે 2.40 કરોડનો અંદાજ મૂકીને ટેન્ડર બહાર પાડ્યા હતા, તેની સામે 7.20 ટકા ઉંચા ભાવનું 2.57 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું હતું. આરસીસી રોડનાં ટેન્ડરમાંથી મધ્ય ઝોન ઇજનેર ખાતાનાં અધિકારીઓએ 2.01 કરોડ જેટલી રકમ તો ફક્ત ડ્રેનેજનાં કામો પાછળ ખર્ચી નાખી હતી. આ સિવાય 2.44 કરોડના આરસીસી રોડના કામમાંથી 1.01 કરોડ ડ્રેનેજ પાછળ ખર્ચાયા છે. આમ 4.58 કરોડમાંથી 3.02 કરોડ એટલે કે 66 ટકા રકમ તો ફક્ત ડ્રેનેજની કામગીરી પાછળ ખર્ચાયા છે. કામમાં ભ્રષ્ટાચાર થયાની વાત મ્યુનિ. કમિશનર સુધી પહોંચી છે.
સૂત્રોએ જણાવ્યું કે, આરસીસી રોડ બનાવાય ત્યારે રોડ વચ્ચેનાં મેનહોલ રિપેરિંગ અને નાની મોટી ડ્રેનેજ લાઇન બદલવાનો ખર્ચ ટેન્ડરમાં સમાવાયેલો જ હોય છે અને તેની ગણતરી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ મધ્ય ઝોનમાં આરસીસી રોડના ટેન્ડરમાંથી ડ્રેનેજનાં કામો પાછળ જે રીતે મોટી રકમ ખર્ચાઇ છે તે શંકા ઉપજાવે છે. અન્ય એક ટેન્ડરમાં શાહીબાગ અને અન્ય વોર્ડમાં આરસીસી રોડ બનાવવા માટે 2.28 કરોડનો અંદાજ મંજૂર કરી ટેન્ડર બહાર પડાયું હતું. તેની સામે 7.20 ટકા ઊંચા ભાવનું 2.44 કરોડનું ટેન્ડર મંજૂર થયું હતું. આમાં ઈજનેર ખાતાના અધિકારીઓએ 1.1 કરોડ ડ્રેનેજ કામો પાછળ ખર્ચ્યા હતા.