
દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે અમદાવાદ એરપોર્ટ હવે ટેકનોલોજીથી સજ્જ થઈ ગયું છે. એરપોર્ટ ઓથોરેટી અહીં પાંચ અદ્યતન બેગેજ સ્ક્રીનિંગ મશીનો ઇન્સ્ટોલ કર્યા છે, જે મુસાફરોના દરેક બેગ, પર્સ અને સામાનને સ્કેન કરી શકશે. એરપોર્ટ સ્રોતોના જણાવ્યા મુજબ એક મશીન ઇમિગ્રેશન કાઉન્ટર પર લગાવાયું છે, જ્યાંથી પસાર થતી હેન્ડબેગ કે પર્સનું તરત જ સ્કેનિંગ થઈ જાય છે. બીજા બે મશીનો કન્વેયર બેલ્ટ આગળ મૂકાયા છે, જેથી ચેક-ઇન બેગેજ બેલ્ટ પર પહોંચે તે પહેલાં જ તેનું સ્ક્રીનિંગ થઈ જાય.
શંકાસ્પદ બેગ પર સ્ક્રીનિંગ મશીન સીધું નિશાન કરી દે છે અને મુસાફર તેને ઉઠાવતાં જ એજન્સીઓ કાર્યવાહી કરી શકે છે. ચોથું મશીન કસ્ટમ્સ ક્લિયરન્સ કાઉન્ટર પાસે રખાયું છે, જેથી કસ્ટમ્સની ટીમ તરત જ શંકાસ્પદ મુસાફરોને પકડી શકે. પાંચમું મશીન એર ઇન્ટેલિજન્સ યુનિટને આપવામાં આવ્યું છે, જેથી ગાંજો, ડ્રગ્સ કે સોનું લઈ જનાર મુસાફરોને ઓળખી તપાસ કરી શકાય. સેન્ટ્રલ એજન્સીઓ માને છે કે આ હાઇ-ટેક સિસ્ટમ લાગુ થતા હવે સોનાની દાણચોરીથી લઈને હાઇબ્રિડ ગાંજા સુધી કોઈપણ દોષિત માટે બચવું હવે મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ એરપોર્ટ પર 8 એક્સ-રે મશીન મુકાયા હતા જેના કારણે પેસેન્જરોના બેગેજ સ્કેનિંગ સમયમાં ઘટાડો થયો હતો.
શંકાસ્પદ વસ્તુ હશે તો બેગ રેડ ચેનલમાં મોકલાશે:
સ્ક્રીનિંગ મશીનોને ઓપરેટ કરવા માટે કસ્ટમ વિભાગ માટે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. સ્ક્રીનિંગ મશીનથી દૂર હોવા છતાં કંટ્રોલ રૂમમાંથી બેઠા બેઠા અધિકારી બેગને ગ્રીન અને રેડ ચેનલમાં મોકલી શકે છે. બેગમાં શંકાસ્પદ વસ્તુ જણાય તો તે બેગને રેડ ચેનલમાં મોકલી દેવામાં આવે છે. જે બેગ ઉપર ક્રોસનું નિશાન લાગી જાય છે. બેગ બેલ્ટ પર આવે અને કસ્ટમ તેમજ સુરક્ષાકર્મીઓની હાજરીમાં ગ્રાહક પાસે તેની બેગ ખોલાવવામાં આવે છે.