
અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે, પરંતુ શહેરમાં રોજ અસામાજિક તત્ત્વો દિન-પ્રતિદિન બેફામ બની રહ્યાં છે. શહેરના ગીતામંદિર વિસ્તારમાં આવેલા એસટી બસ સ્ટેન્ડમાં પોલીસચોકીની બહાર એક યુવક પોતાને ભૂરા દાદા ગણાવી બેફામપણે ગાળો બોલી રહ્યો છે. વાઇરલ થયેલા આ વીડિયોમાં યુવક પોલીસચોકીના દરવાજા પર તોડફોડ કરી બહાર આવો તો ખબર પડે એમ કહેતો જોવા મળે છે. આ વીડિયો વાઇરલ થતાં કાગડાપીઠ પોલીસ દોડતી થઈ છે અને આ સમગ્ર મામલે હવે તોડફોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.
એક મહિનામાં અમદાવાદમાં હત્યા અને જાહેરમાં હથિયારો બતાવી મારામારીના અનેક કિસ્સા નોંધાયા છે. લોકોને હચમચાવી દે એવી જાહેરમાં જ હથિયારો સાથે મારામારી કરી હત્યા નિપજાવવાની દિન-પ્રતિદિન વધી રહી છે, શહેરમાં પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે. અસામાજિક તત્ત્વો કે લુખ્ખા તત્ત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય એમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવાં ધારદાર હથિયારો લઈને ફરી રહ્યા છે. શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડની પોલીસચોકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પોલીસચોકી બહાર એક યુવક બેફામ ગાળાગાળી અને તોડફોડ કરી રહ્યો છે. એક નામ લઈને દાદા આવ્યા છે. બહાર આવો એમ કહીને ગાળાગાળી કરી રહ્યો છે. બસ સ્ટેન્ડ પર પોલીસચોકી પાસે અનેક મુસાફરો ઊભા છે અને યુવક બેફામપણે ગાળો બોલી રહ્યો છે. આ અંગે કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવતાં પોલીસના ધ્યાનમાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ જણાવ્યું હતું કે ગઈકાલે એક સપ્ટેમ્બર રાતનો આ વીડિયો હોવાનું ધ્યાને આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સર્વેલન્સ કોડના કર્મચારીઓ દ્વારા જે યુવક વીડિયોમાં ગાળાગાળી કરી રહ્યો છે એની તપાસ કરવા તેના ઘરે ગયા હતા, પરંતુ ઘર બંધ હાલતમાં છે, જેથી હાલમાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે. શહેરનું ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ, જ્યાં રોજના હજારો મુસાફરો અવરજવર કરતા હોય છે, ત્યારે બસ સ્ટેન્ડ પર સુરક્ષાને લઈને અગાઉ પણ અનેક સવાલો ઊભા થયા છે. ભૂતકાળમાં એસટી બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્ત્વો દ્વારા તોડફોડ અને મારામારીની ઘટના પણ બની છે. બસ સ્ટેન્ડની જગ્યામાં અસામાજિક તત્ત્વો ફરતાં હોય છે અને કોઈપણ વ્યક્તિ પર હુમલો અને મારામારી કરવાની ઘટનાઓ બનતી હોય છે. એસટી બસ સ્ટેન્ડ પર સુરક્ષાને લઈને ફરી હવે સવાલ ઊભા થયા છે. એસટી બસ સ્ટેન્ડમાં ગેરકાયદે રીતે અનેક લોકો ઘૂસી જતા હોય છે. બસ સ્ટેન્ડની સ્થાનિક સિક્યોરિટીને લઈને પણ પ્રશ્ન ઊભો થયો છે કે દર વર્ષે લાખો રૂપિયા સિક્યોરિટીને ચૂકવવામાં આવે છે છતાં પણ સિક્યોરિટી ગાર્ડ દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતાં હવે મુસાફરોને બસ સ્ટેન્ડ પર જતાં પણ ડર લાગતો હોય એવો માહોલ ઊભો થયો છે.