સ્ટ્રીટ લાઈટના થાંભલાના કરંટથી યુવકના મોત મામલે કોન્ટ્રાક્ટર સામે FIR

Spread the love

 

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં દૂધવાળી પોલ પાસે 16 જુનાના રોજ વરસાદમાં AMCના સ્ટ્રીટ લાઈટના પોલના કરંટના કારણે જસરાજ ગોયલ નામના યુવકનું મૃત્યુ થયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના થાંભલાની મેન્ટેનન્સની જવાબદારી મેસર્સ સન ટ્રેડિંગ કંપનીની હોવા છતાં પણ કંપનીએ સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થિંગ આપેલું નહોતું અને અન્ય સુરક્ષા નહોતી રાખેલી, જેના કારણે કરંટ લાગતા યુવકનું મૃત્યુ થયું હતું. જેને લઇને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, 16 જૂન, 2025ના રોજ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના ઘી કાંટા વિસ્તારમાં આવેલી દૂધવાળીની પોળ પાસે વરસાદી પાણી ભરાયેલા હતા અને વરસાદ પણ ચાલુ હતો. ત્યારે ઘી કાંટા વિસ્તારમાં પદ્માવતી કોમ્પ્લેક્સમાં ગારમેન્ટની દુકાનમાં નોકરી કરતો જસરાજ ગોયલ નામનો 21 વર્ષીય યુવક ત્યાંથી પસાર થતો હતો. આ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના થાંભલાનો કરંટ લાગતા બેભાન થઈને પાણીમાં પડી ગયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે જાણવાજોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓ અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ ધરાવનારા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાથી મૃત્યુ થયું હતું. વિપક્ષ દ્વારા પણ આ મામલે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા.
જસરાજ ગોયલના ભાઈ સ્વરૂપ ગોયલ દ્વારા આ સમગ્ર મામલે હવે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જસરાજ ગોયલનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના થાંભલાના કરંટથી મૃત્યુ થયું હતું, ત્યારે ઈલેક્ટ્રીક થાંભલાના મેન્ટેનન્સની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનને મેસર્સ સન ટ્રેડિંગ કંપનીને આપી હતી. કંપનીની જવાબદારી હોવા છતા સ્ટ્રીટ લાઈટના થાંભલાને અર્થીંગ આપેલું નહોતું. સાથે જ જરૂરી સુરક્ષા રાખી નહોતી. લોકોની સુરક્ષાની જવાબદારી હોવા છતાં જાહેર જનતાની જિંદગી જોખમમાં મુકતા યુવકનું મૃત્યુ થયું હતું, જેથી સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં અંદાજે બે લાખથી વધારે સ્ટ્રીટ લાઈટના થાંભલા આવેલા છે, જેમાં મોટાભાગના થાંભલાઓની મેન્ટેનન્સ કામગીરી સમયસર ન થતી હોવાના કારણે બંધ હોવાની ફરિયાદો મળે છે. એક મહિનામાં 5,000થી વધારે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ મેન્ટેનન્સના કારણે બંધ હોવાની ફરિયાદ મળે છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે થઈને એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાઈટ વિભાગના અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અવારનવાર શો- કોઝ નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે. અધિકારી સામે વિજિલન્સ તપાસો આપીને કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને સાચવી લેવામાં આવે છે. લાઈટ વિભાગમાં મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં પણ ગરબડ થઈ હોવાને લઈને તપાસ સોંપવામાં આવી છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *