ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ સૌથી ખરાબ સમાચાર; ઉમેદવારોને આવ્યા રોવાના દ’હાડા!
ભરતી પ્રક્રિયા ફરી એક વાર વિલંબમાં પડતા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી
શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એક વાર વિલંબમાં પડતા શિક્ષણ જગતમાં નિરાશા વ્યાપી ગઈ છે. ખાસ કરીને ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નક્કર નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. લાંબા સમયથી ચાલી રહેલી આ પ્રક્રિયા અનેક પ્રશ્નો ઊભા કરે છે.

શિક્ષકોની ભરતીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12 ની ખાલી જગ્યા પર શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિલંબમાં પડી છે, જેના કારણે હજારો ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે.
સરકાર દ્વારા દોઢ વર્ષ પહેલાં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. ઉમેદવારો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે અને આ વિલંબથી તેમની ધીરજ ખૂટી રહી છે. માત્ર ધોરણ 9 થી 12 જ નહીં, પરંતુ ધોરણ 6 થી 8 ની ભરતી પણ અટકેલી પડી છે. એટલું જ નહીં, જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં છે, તેમને પણ ઓપરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે.
ભરતી પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ ઉમેદવારોને સાંભળ્યા અને તેમની રજૂઆતો પણ નોંધી, પરંતુ આટલા સમય બાદ પણ કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. કમિટીના આ વલણથી ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.
કચ્છ જેવા દૂરના અને સરહદી વિસ્તારમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે સ્પેશિયલ ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ભરતીમાં પણ મોટાભાગની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે, જે ચિંતાનો વિષય છે. આના કારણે તે વિસ્તારના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહી શકે છે.
આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે શિક્ષણ વિભાગ અને સરકાર આ મુદ્દે ગંભીર નથી. જો તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં ન આવે તો, શિક્ષણ વ્યવસ્થા પર તેની ગંભીર અસર પડી શકે છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ ભરતી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ કરવી અત્યંત જરૂરી છે.