ઉત્તર ભારતમાં 40 વર્ષની સૌથી મોટી બરબાદી, 39ના મોત, 10 હજાર લોકોનું રેસ્ક્યૂ

Spread the love

 

દિલ્હીમાં, યમુના નદી ભયજનક નિશાન (205 મીટર)થી 206 મીટર ઉપર વહી રહી છે. કારણ કે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 10 હજાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. સ્કૂલોને ઓનલાઈન વર્ગો ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગંગા બાદ હવે યમુના નદીમાં પૂર આવ્યું છે. તે ભયજનક નિશાનને પાર થઈ ગઈ છે. દિલ્હીથી લઈને આગ્રા, મથુરા સુધી, શહેરોના ઘણા વિસ્તારો ડૂબી જવાના આરે છે. લોકો પોતાના ઘર છોડવા મજબુર થયા છે.
દિલ્હીમાં યમુના નદીમાં ફરી એકવાર પૂર આવ્યું છે અને જૂના રેલવે પુલ પાસેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. કેન્દ્રીય જળ આયોગની સત્તાવાર આગાહી મુજબ, દિલ્હી રેલવે પુલ (ઉત્તર જિલ્લો) પર યમુના નદીનું જળસ્તર હજુ પણ ખતરનાક સ્થિતિમાં છે અને 206.36 મીટર સુધી પહોંચી ગયું છે, જે 205.33 મીટરના ભયજનક નિશાનથી 1.03 મીટર ઉપર છે. જળસ્તર હજુ પણ વધી રહ્યું છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે અને ભય વધ્યો છે. યમુના પૂરની અસર ફક્ત દિલ્હી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની વ્યાપક અસરો ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. હાલમાં યુપીના 22 જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે, જેમાં 607 ગામડાઓ અને શહેરી વિસ્તારોના 22 વોર્ડનો સમાવેશ થાય છે.અહીં કુલ અસરગ્રસ્ત વસ્તી 1,41,000 સુધી પહોંચી ગઈ છે અને આગ્રા, મથુરા જેવા ઘણા જિલ્લાઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. યમુના મથુરા (પ્રયાગ ઘાટ) ખાતે 166.41 મીટરના જળસ્તરે વહી રહી છે. જે 166.0મીટરના ભયજનક નિશાનથી 0.41 મીટર ઉપર છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં, લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, સ્કૂલો બંધ કરવામાં આવી છે, રાહત કાર્ય અને બચાવ માટે બોટ, આશ્રયસ્થાનો, તબીબી ટીમો અને અન્ય સંસાધનો તહેનાત કરવામાં આવ્યા છે.
હરિયાણામાં, ઝજ્જર, હિસાર, યમુનાનગર, કુરુક્ષેત્ર, પંચકુલા અને અન્ય જિલ્લાઓમાં 200થી વધુ સ્કૂલો બંધ છે. પંજાબમાં, અમૃતસર, પઠાણકોટ, ફિરોઝપુર, ભટિંડા સહિત 23 જિલ્લાઓમાં હજુ પણ પૂરની સ્થિતિ છે. 1400 ગામોના 3 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના 20 શહેરોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. નોઈડા (ગૌતમ બુદ્ધ નગર)માં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મથુરામાં યમુનામાં પૂર આવ્યું છે. યમુનાનું પાણી બાંકે બિહારી મંદિરથી માત્ર 400 મીટર દૂર છે. અહીં 900 પરિવારો અસરગ્રસ્ત થયા છે. આગ્રામાં, યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચી ગયું છે. હિમાચલ પ્રદેશમાં 1300થી વધુ રસ્તાઓ બંધ છે. છેલ્લા 24 કલાકમાં ઘર પડવા અને ભૂસ્ખલનમાં 8 લોકોના મોત થયા છે. રાજ્યના 7 જિલ્લાઓમાં સ્કૂલો અને કોલેજો બંધ કરવામાં આવી છે. તેમજ, રાજસ્થાનના દૌસાના લાલસોટમાં ડેમ તૂટવાથી જયપુરના 5થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 970.28mm વરસાદ પડ્યો છે, જે મોસમના 104% વરસાદ છે, જ્યારે અત્યાર સુધીમાં 800.1mm વરસાદની અપેક્ષા હતી. રાજ્યનો સામાન્ય વરસાદ 939.8mm છે. ગયા ચોમાસાની ઋતુમાં સરેરાશ વરસાદ 1117.6mm હતો.
પંજાબના તમામ 23 જિલ્લાઓ હાલમાં પૂરનો સામનો કરી રહ્યા છે. ઘણી જગ્યાએ સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જારી કર્યું છે. સરકારી માહિતી અનુસાર, લગભગ 1400 ગામડા પાણીમાં ડૂબી ગયા છે. તેમાંથી ગુરદાસપુરના 324 ગામડાઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. અમૃતસરમાં 135, બરનાલામાં 134 અને હોશિયારપુરમાં 119 ગામડાઓ પ્રઅસરગ્રસ્ત થયા છે. 30 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો હજુ પણ ગુમ છે. પંજાબના મોહાલીમાં જિલ્લા વહીવટીતંત્રેએલર્ટ જાહેર કર્યુ છે. કારણ કે ઘગ્ગર નદી અને સુખના તળાવનું જળસ્તર વધી રહ્યું છે. અહીં કિનારે રહેતા પરિવારોએ સાવધ રહેવું જોઈએ, કારણ કે જળસ્તર સતત વધી રહ્યું છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. હરિયાણાના હિસારમાં બુધવાર સવારથી જ સતત વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં 5 દિવસથી સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. આજે સવારે પડેલા વરસાદને કારણે શહેરના ડોગરાણ વિસ્તારમાં કબીર ચોક પાસેના પાર્કમાં એક ઝાડ મહિલા પર પડ્યું હતું. જેના કારણે મહિલા ઘાયલ થઈ હતી. હિસારના ગામોમાં પાણી ભરાયા છે. 100થી વધુ પરિવારોએ સ્થળાંતર કર્યું છે. ગામડાઓમાં વહેતું નાળું ભયજનક નિશાનથી ઉપર વહી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *