SCO શિખર સંમેલનના એક દ્રશ્યએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો.. US નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન

Spread the love

 

 

 

ચીનના તિયાનજીન શહેરમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનના એક દ્રશ્યએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા સમિટના એ વીડિયોમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે મજબૂત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ મૈત્રીપૂર્ણ અને સહયોગાત્મક વલણે જ્યાં ભારત અને રશિયાના સંબંધોને નવી ઊંચાઈ આપી ત્યાં અમેરિકાની બેચેની પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. SCO સમિટમાં પીએમ મોદીનો દમ જોઈને અમેરિકા બેકફૂટપર જતુ જોવા મળી રહ્યું છે. અમેરિકી નાણામંત્રીએ ફોક્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહી દીધુ કે ભારત ચીન અને રશિયાની સરખામણીમાં અમેરિકાની વધુ નજીક છે અને મને લાગે છે કે અમે અંતમાં એક સાથે આવી જઈશું.
ભારત અને અમેરિકા વચ્ચે હાલ જે વેપારી તણાવ સર્જાયો છે તે વચ્ચે અમેરિકા તરફથી હવે  તેમના નાણામંત્રીનું એક સંતુલિત અને આશાવાદી નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે મંગળવારે ભરોસો વ્યક્ત કર્યો કે આ બંને મહાન દેશ છેલ્લે તો મતભેદોને પાછળ છોડીને સમાધાન તરફ આગળ વધશે. બેસેન્ટનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ટ્રમ્પ પ્રશાસન ભારત અંગે અનેકવાર કઠોર અને તીખા શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યું છે. ખાસ કરીને રશિયન ઓઈલની ખરીદી અંગે અને ટેરિફ નીતિઓ અને વેપાર સંતુલન મુદ્દે. આમ છતાં જ્યારે ભારત ઝૂક્યું નહીં અને એસસીઓ સમિટમાં પીએમ મોદીની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની કેમિસ્ટ્રી જોઈને હવે અમેરિકાના સૂર બદલાયા હોય તેવું જણાય છે.
હવે અમેરિકી નાણામંત્રીએ બંને દેશો વચ્ચે સકારાત્મક પહેલની સંભાવના જતાવતા કહ્યું કે આ સંબંધ ખુબ જટિલ છે પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધ છે અને આ મામલો ફક્ત રશિયન ઓઈલનો નથી. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અંતમાં અમે એક સાથે આવીશું. અમેરિકી નાણામંત્રીનું આ નિવેદન અમેરિકા તરફથી તણાવ ઓછું કરવાનો એક સંકેત હોઈ શકે છે, જેનાથી બંને દેશ આગામી મહિનાઓમાં નવી વેપારી વાર્તાઓ અને રણનીતિક સહયોગની દિશામાં આગળ વધી શકે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે હાલમાં જ તિયાનજીન, ચીનમાં આયોજિત SCO બેઠકમાં થયેલી મુલાકાતો વૈશ્વિક મંચ પર ખુબ ચર્ચામાં રહી. પરંતુ અમેરિકાએ આ મંચ અને તેના પ્રભાવને હળવાશમાં લેતા કહ્યું કે SCO સમિટ એક દેખાડો હતો. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, આ એક જૂનું સંમેલન છે, જેને શાંઘાઈ સહયોગ સંગઠને કહે છે અને મને લાગે છે કે આ મહદઅંશે બનાવટી છે.
બેસેન્ટે એ પણ કહ્યું કે “ભલે ભારત આ પ્રકારના મંચો પર રશિયા અને ચીનના નેતાઓ સાથે સંવાદ કરતું હોય પરંતુ મૂલ્ય આધારિત ભાગીદારીના મામલે ભારતની વિચારધારા અમેરિકાની વધુ નજીક છે. મારા ખ્યાલથી, અંતે તો ભારત દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળું લોકતંત્ર છે. તેમના મૂલ્ય રશિયા-ચીનની સરખામણીમાં અમારી વધુ નજીક છે.” આ નિવેદન એ વાતનો સંકેત છે કે અમેરિકા હજુ પણ  ભારતને એક રણનીતિક ભાગીદાર તરીકે જુએ છે અને ભલે બારત પોતાની મલ્ટીપોલર ડિપ્લોમસી હેઠળ રશિયા અને ચીન સાથે પણ સંબંધ જાળવી રાખે પરંતુ લોકતાંત્રિક મૂલ્યો અને વૈશ્વિક દ્રષ્ટિકોણના મામલે તે અમેરિકાની નજીક છે.
આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પણ એસસીઓ સમિટમાં પીએમ મોદીની પુતિન અને જીનપિંગ સાથે થયેલી મુલાકાતોને શરમજનક સુદ્ધા કહી નાખી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતે રશિયા અને ચીન સાથે રહેવાની જગ્યાએ અમારી સાથે રહેવું જોઈએ. પીટર નવારોની આ પ્રતિક્રિયા એ વાતનો સંકેત છે કે વોશિંગ્ટન નવી દિલ્હીની સ્વતંત્ર વિદેશ નીતિ અને બહુપક્ષીય કૂટનીતક સંતુલન અંગે અસહજ મહેસૂસ કરી  રહ્યું છે. ભારત જે એક બાજુ અમેરિકા સાથે રણનીતિક ભાગીદારી મજબૂત કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ રશિયા અને ચીન જેવી વૈશ્વિક શક્તિો સાથે પણ પોતાના પરંપરાગત અને ક્ષેત્રીય હિતોને સાંધવાની રણનીતિ પર ચાલી રહ્યું છે.
વિશેષજ્ઞો એવું માને છે કે ભારતની આ મલ્ટીપોલર ડિપ્લોમસી નીતિ તેની સ્વતંત્ર વિદેશ નીતિની ઓળખ છે જેનાથી તે અમેરિકા-રશિયા કે અણેરિકા-ચીન ધ્રુવોમાંથી કોઈ એક સાથે બંધાવવાનો ઈન્કાર કરે છે. SCO  જેવા મંચો પર  ભારતની સક્રિયતા અને તેના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મોદીની ઉષ્માભરી મુલાકાતો ભારતની આ નીતિનો હિસ્સો છે. નવારોની તીખી ટિપ્પણી ફક્ત અસંતોષ નહીં પરંતુ એ વાતની પણ પુષ્ટિ છે કે ભારત હવે વૈશ્વિક રાજકારણમાં એક સ્વાયત્ત અને નિર્ણાયક શક્તિ તરીકે ઊભરી ચૂક્યું છે જે ન તો દબાણમાં આવે છે કે ન તો કોઈના દિશા નિર્દેશો પર ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *