
50% ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકન આઇટી કંપનીઓને ભારત જેવા દેશોમાં કામ આઉટસોર્સ કરવાથી રોકવાનું વિચારી રહ્યા છે. અમેરિકન એક્ટિવિસ્ટ અને ટ્રમ્પના નજીકના સમર્થક લૌરા લૂમરે આ દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, લૂમરે લખ્યું છે કે ‘આનો અર્થ એ છે કે તમારે હવે અંગ્રેજી માટે 2 દબાવવાની જરૂર નથી. કોલ સેન્ટરોને ફરીથી અમેરિકન બનાવો.’
લૂમર ભારતના કોલ સેન્ટરોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે અમેરિકન કંપનીઓને સસ્તામાં કસ્ટમર સપોર્ટ પૂરા પાડે છે. તેમણે “મેક કોલ સેન્ટર્સ અમેરિકન અગેઇન”નું સૂત્ર આપ્યું, એટલે કે, કોલ સેન્ટર્સને અમેરિકા પાછા લાવવાની વાત કરી.
ગૂગલ અને એમેઝોન સહિત ઘણી અમેરિકન કંપનીઓ ભારતમાંથી આઉટસોર્સ કરે છે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, આઇબીએમ, સિસ્કો અને ઓરેકલ જેવી ઘણી મોટી યુએસ ટેક કંપનીઓ ભારતમાં હાજરી ધરાવે છે અને આઉટસોર્સિંગ કરે છે. આ કંપનીઓ ભારતમાં તેમના ડેવલપમેન્ટ સેન્ટર, રિસર્ચ સેન્ટર અને કોલ સેન્ટરો ચલાવે છે.
ટ્રમ્પે હાલમાં કહ્યું હતું કે તેઓ ભારત સાથે સંબંધો રીસેટ કરવા માટે તૈયાર છે, પણ આ પહેલા ટ્રમ્પે શુક્રવારે ભારત વિરુદ્ધ આપેલા નિવેદનના 12 કલાકની અંદર જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પલટી મારી હતી. વ્હાઇટ હાઉસમાં સાંજે 6-7 વાગ્યાની વચ્ચે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું – ‘હું હંમેશા મોદીનો મિત્ર રહીશ. હું હંમેશા ભારત સાથે સંબંધો રીસેટ કરવા માટે તૈયાર છું.’
શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યે, તેમણે સોશિયલ મીડિયા સત્ય પર લખ્યું હતું કે, ‘એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને ચીનની હાથે ગુમાવી દીધા છે. આશા છે કે તેમનું ભવિષ્ય સારું રહેશે.’