
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા બિલ્ડર જૈમિન કનુભાઈ પટેલ સાથે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. વિદેશી કરન્સી ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપીને તેમની પાસેથી 1.08 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઠગબાજોએ સોશિયલ મીડિયા પર જાહેરાત આપીને બિલ્ડરનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં નાનું રોકાણ કરવાથી તેમને નફો મળ્યો, જેનાથી વિશ્વાસ કેળવાયો. બાદમાં તેમણે તબક્કાવાર મોટી રકમનું રોકાણ કર્યું, પરંતુ જ્યારે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો તો ઉપાડી ન શકતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ મામલે બિલ્ડરે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગોતામાં રહેતા જૈમિન કનુભાઇ પટેલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામકાજ સાથે જોડાયેલા છે. ગત જૂન મહિનામાં તેઓ ફેસબુક જોતાં હતા, ત્યારે વિદેશી કરન્સીમાં ટ્રેડિંગ કરીને વધુ નફો મેળવવા અંગેની જાહેરાત નજરે પડી હતી. આ જાહેરાતમાં રોકાણ કરવાથી ઝડપથી મોટા નફાની ખાતરી આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેથી તેઓએ જાહેરાત પર ક્લિક કરી સંપર્ક કર્યો હતો. સામે પક્ષે તેમને આ બિઝનેસમાં જોડાવા માટે જણાવવામાં આવ્યું હતું. ટેલીગ્રામના માધ્યમથી તેમને જુદા જુદા ટ્રેડિંગ પ્લાન્સની વિગતો આપી તેમાં રોકાણ કરાવવામાં આવતું હતું.
શરૂઆતમાં જૈમિન પટેલે 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. તરત જ તેમના એકાઉન્ટમાં 8 હજાર રૂપિયાનો નફો બતાવવામાં આવ્યો જેથી તેમને વિશ્વાસ આવી ગયો હતો. બાદમાં તેમને વધુ અને વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તબક્કાવાર રોકાણ કરતાં અંતે બિલ્ડરે કુલ 1.08 કરોડ રૂપિયાનું રોકાણ કરી લીધું હતું, પરંતુ જ્યારે તેમણે પૈસા વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રૂપિયા પાછા ન મળતા તેમને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું ખ્યાલ આવ્યો. જેથી તેઓએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.