
શીલજમાં ધ ગાર્ડન બંગ્લોઝ સામેના રોડ પર ગટર સાફ કરવા માટે ઉતરેલો શ્રમિક ગૂંગળાઈ ગયો હતો, જેથી તેને બચાવવા બીજો શ્રમિક પણ ગટરમાં ઉતર્યો હતો. જોકે બંને શ્રમિકના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયાં હતાં. આ અંગે બોપલ પોલીસે ખાનગી કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. બોપલમાં ડીપીએસ સ્કૂલની બાજુમાં શીલજ કેનાલ રોડ પર ધ ગાર્ડન બંગ્લોઝ આવેલા છે. તેની સામેના રોડ પર ગટર ભરાઈ હોવાથી જામ થઈ ગઈ હતી, જેથી આ ગટર સાફ કરવાનું કામ ખાનગી કોન્ટ્રાક્ટર મુકેશભાઈ સુમેશ્વર અદાલત ઠાકુર (ધોળાકુવા, ગાંધીનગર)ને અપાયું હતું, જેથી 5 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે મુકેશભાઈ બે શ્રમિક વિકાસ લાલબહાદુર (ઉં.20), કનૈયાલાલ ખુશીરામ (ઉત્તરપ્રદેશ)ને ગટર સાફ કરવા માટે લાવ્યા હતા.
બપોરે 1.30 વાગ્યે મુકેશભાઈએ પ્રેશર મશીનની પાઇપ ગટરમાં ઉતારી હતી અને તે પાઇપ પકડાવીને વિકાસને ગટરમાં ઉતાર્યો હતો. ગટરમાં ઉતર્યાની થોડી જ વારમાં ગૂંગળામણ થવાથી વિકાસ બેભાન થઈ ગયો હતો, જેથી બહાર ઊભેલો કનૈયાલાલ વિકાસને બચાવવા ગટરમાં ઉતર્યો હતો, જેથી તે પણ ગૂંગળાઈ ગયો હતો.
બપોરે 3.40 વાગ્યે કનૈયાલાલનું મૃત્યુ થયંુ હતું. જ્યારે રાતે 10.25 વાગ્યે વિકાસનું મૃત્યુ થયું હતું. આ અંગે વિકાસના પિતા લાલબહાદુર કોરીએ બોપલ પોલીસમાં કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુકેશભાઈએ કોઈ પણ પ્રકારનાં સલામતીનાં સાધનો સાથે રાખ્યા વગર શ્રમિકોને ગટરમાં ઉતાર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના કારણે બંનેનાં મૃત્યુ થયાં હતાં. આથી બોપલ પોલીસે મુકેશ વિરુદ્ધ બેદરકારી દાખવી મોત નિપજાવવા અંગેનો ગુનો નોંધ્યો હતો.