
દેશમાં વિદેશી કંપનીઓના આક્રમણ સામે દવાના નાના વેપારી વેપાર ટકાવી શકે તે માટે ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કૅમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ ઍસોસિયેશન (એફજીએસસીડીએ)એ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બૅન્ક ઓફ ઇન્ડિયા (સીડબી) અને એથિક્સ ફિંટેક સાથે હાથ મિલાવ્યા છે. હવે શહેરના 1500થી વધુ દવાના નાના વેપારીને ઓછા વ્યાજે રૂ. 2 લાખની પેપરલેસ અને રૂ. 5 લાખથી વધુની લોન માટે કેવાયસી અને સિબિલ સ્કોરના આધારે લોન ઉપલબ્ધ થશે. ઍસોસિએશનના પ્રેસિડેન્ટ જશુભાઈ પટેલે જણાવ્યું કે શહેરમાં અંદાજે 2600થી વધુ દવાના વેપારી છે, તેમાંથી 1500થી 1700 નાના વેપારી છે. આ વેપારીઓ સ્પર્ધામાં ટકી શકે એ માટે ‘ફિનટેક અને બૅન્કિંગ સિનર્જી’ વિષય પર કોન્ફરન્સ કરી હતી. તેમાં સીડબી દ્વારા નાના ઉદ્યોગો માટે ખાસ ડિજિટલ સહાય, ફાર્મા ક્ષેત્રના વેપારીઓ માટે સરળ લોનની વ્યવસ્થા અંગે માહિતી અપાઈ હતી.
સીડબીના ડીજીએમ અનંત યાદવજીએ જણાવ્યુ કે,”દેશમાં થઈ રહેલા નવા ઇન્ટર્વેન્શન માટે સીડબીની નવી સ્કિમો આવી રહી છે. તેમજ અમે હવે એમએસએમઇની જેમ લોકોને જ્યારે જરૂર હોય ત્યારે લોન મળી રહે તેમજ બૅન્ક આવવાની જરૂર ન પડે અને તમામ નિર્ણયો ડિજિટલી લઈ શકે તેવું પ્લેટફોર્મ બનાવવા માગીએ છીએ. આમાં નાના વેપારીને જીએસટી આધારિત ઓછા વ્યાજે રૂ. 2થી 5 લાખની લોન ઓનલાઇન મળી શકશે. 2 લાખની લોન ઓછા વ્યાજે અપાશે જ્યારે રૂ. 5 લાખથી વધુની લોન માટે વેપારીએ કેવાયસી અને સિબિલ સ્કોરને ધ્યાનમાં રાખીને લોન અપાશે”.