ભૂપેન્દ્ર પટેલે આજે 11 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતેથી
28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને લીલી ઝંડી આપીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ માટે રવાના કરી

ગુનાઓની તપાસને વધુ ઝડપી અને વૈજ્ઞાનિક બનાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 11 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતેથી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને લીલી ઝંડી આપીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ માટે રવાના કરી છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી વાન ઉમેરાતાં ગુજરાતમાં કાર્યરત મોબાઈલ ફોરેન્સિક વાનની સંખ્યા 47થી વધીને 75 થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાઓમાં ગુનાઓની તપાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ નવા કાયદાઓ મુજબ, સાત વર્ષથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે, જેના કારણે ફોરેન્સિક સાયન્સની ભૂમિકા અત્યંત વધી ગઈ છે. ગુનાના સ્થળે પ્રાથમિક તપાસ અને પુરાવા એકત્ર કરવા માટે સાયન્ટિફિક ઓફિસર સાથેની આ મોબાઈલ ફોરેન્સિક વાન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એન.ડી.પી.એસ.ના સ્થળ પર જ તાત્કાલિક નિરીક્ષણ, ડી.એન.એ. ટેસ્ટની વ્યવસ્થાઓ અને આગ કે અન્ય આકસ્મિક ઘટનાઓમાં જરૂરી તમામ ફોરેન્સિક ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ છે. આ વાન ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે.

આ 28 નવી ફોરેન્સિક વાન કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુદાનમાંથી ફાળવવામાં આવી છે. આ વાન ફોરેન્સિક નિષ્ણાતોના મંતવ્યો અને અભિપ્રાયના આધારે તૈયાર કરવામાં આવી છે, જેથી તે ગુનાઓની તપાસમાં મહત્તમ ઉપયોગી સાબિત થઈ શકે. આ પહેલથી ફોરેન્સિક સેવાઓ વધુ સુલભ બનશે અને ગુનાઓની ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે. આ કાર્યક્રમમાં ગૃહ વિભાગ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.