નેપાળમાં ફસાયેલા અમદાવાદના 37 લોકો પરત ફર્યા

Spread the love

 

નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ફસાયેલા અમદાવાદના 37 શ્રદ્ધાળું વતન પરત ફર્યા છે. આ લોકો નેપાળના પશુપતિનાથ, મુક્તિધામ, પોખરા જેવા વિવિધ સ્થળોએ દર્શને ગયા હતા. આ સમયે નેપાળમાં અચાનકમાં સરકાર વિરોધી જેન-ઝી આંદોલનમાં 4 દિવસથી તેઓ ફસાઈ ગયા હતાં. આજે (12 સપ્ટેમ્બર) અમદાવાદ પરત ફરેલા 37 લોકોમાં વસ્ત્રાલ વિસ્તારની આકૃતિ સોસાયટીના 6 લોકોનું રહીશો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર પહેરાવીને સ્વાગત કરતી વખતે કેટલાક ભાવુક અને લાગણીશીલ દૃશ્યો સર્જાયા હતા.
નેપાળથી પરત ફરેલ પટેલ જસવંતભાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તો અમે શાંતિપૂર્ણ યાત્રા કરી રહ્યા હતા, પણ પોખરાથી જ્યારે જોન્સન ગયા અને જોન્સન રોકાયા ત્યારે અમને સમાચાર મળ્યા કે આ રીતની નેપાળની અંદર કાઠમંડુમાં ખાસ કરીને આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, તો તમે જરા સાચવજો. પછી અમારા મેનેજર થોડો બાહોશ અને ડ્રાઈવર પણ સારો હતો, એટલે એણે આખી વસ્તુને હેન્ડલ કરી લીધી. જમવાનું તો અમારી સાથે હતું, એટલે કોઈ ટેન્શન નહોતું. હોટલ પણ અમારી સારી હતી, એટલે કોઈ બીજી મુશ્કેલી પણ નહોતી. પણ એકદમ આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય, એટલે માનસિક રીતે તો આપણે થોડા ટેન્શનમાં આવી જ જઈએ. અમે રસ્તામાં આવ્યા, ત્યારે રોડ ઉપર જ બધા આગજનીના બનાવો બન્યા હતા. કારો, ટુ-વ્હીલરો સહિતનું બધું સળગેલુ રોડ ઉપર પડેલું હતું, એ જોયું. પછી અમે જ્યારે હોટલ ઉપર આવ્યા, ત્યારે હોટલની સામે જ એક્ઝેટ 200થી 300 મીટરની અંદર જ મોટી આગજનીના મોટા ધુમાડાઓ નીકળવા લાગ્યા, એટલે અમે બધા તો ડરી ગયા હતા.
આ સમયે હોટલવાળાએ કહ્યું કે, આપ ટેન્શનમાં ન રહેશો, એ બધું શાંત થઈ જશે. એટલે અમને એ રીતે થોડી મનને શાંતિ થઈ. અમને તરત જ ત્યાંથી મેસેજો આવી ગયા હતા કે, તમારે કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે પણ હેલ્પ લઈ શકો છો. એટલે એ સમય દરમિયાન અમને મેસેજ મળી ગયા હતા, ફોન નંબર પણ આપી દીધા હતા કે તમારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો કહી દેજો. ઘરે પરત ફરતા બહુ ખુશી થાય છે. આવું અચાનક થાય એટલે સામાન્ય રીતે દરેક માણસ, હું હોય કે બીજો કોઈ પણ હોય, ડર તો લાગે જ. આ તો આખી ટીમ જોડે હતી એટલે વાંધો ના આવ્યો. જો અમે એકલ-દોકલ પાંચ-છ જણા ગયા હોત તો ખરેખર ડરી ગયા હોત. પણ બધા એક જૂથમાં રહ્યા એટલે અમે શાંતિપૂર્ણ રીતે અહીંયા આવ્યા છીએ અને બહુ ખુશી થઈ. અહીંયા ઘરે આવીને આવો સરસ મજાનો માહોલ, સોસાયટીના દરેક ભાઈઓ-બહેનોનો ખુબ-ખુબ આભાર માનીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ.
અન્ય મહિલા અંજના પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં તો સારું હતું. જોન્સન પહોંચ્યા એટલે સાંભળ્યું એટલે ગભરાઈ તો ગયા હતા, પણ પછી હવે ઘરે આવીને સારું લાગ્યું. સોસાયટી દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું, અમારી સોસાયટી એક પરિવાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *