
વર્ષ 2024માં ખોખરા પોલીસ મથકે આશરે 17 વર્ષના સગીર સામે IPC, પોક્સો, IT એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી સગીરને અત્યારે સુધાર ગૃહમાં રાખવામાં આવ્યો છે. આરોપી અમરાઈવાડી ખાતે રહેતો હતો, જેને એક સ્કૂલેથી છૂટેલા સગીરને ડરાવી, ગાળો આપી તેની સાયકલ લઈ લીધી હતી. આરોપી સગીર આશરે 15 વર્ષીય ભોગ બનનાર સગીરને મણિનગર રેલવે કોલોની ખાતે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને તેનો વીડિયો ઉતાર્યો હતો. આટલેથી ના અટકતા આરોપી સગીરે ભોગ બનનારને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી અને તેની પાસે પૈસાની માંગણી કરી હતી. ભોગ બનનાર સગીરે 2 હજાર રૂપિયા આપ્યા તો અઠવાડિયા પછી આરોપીએ 10 હજાર રૂપિયાની માગણી કરતા ભોગ બનનાર સગીર પડી ભાંગ્યો હતો. તેને ઘરનાને હકીકત જણાવતા આરોપી સગીર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે ચાર ચિલ્ડ્રન્સ કોર્ટમાં આરોપીનો કેસ દાખલ કરીને પુખ્તની જેમ કેસ ચલાવવા હુકમ કર્યો હતો. અમદાવાદના ભદ્ર ખાતે આવેલી સિટી સેશન્સ કોર્ટમાં સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટમાં આરોપી સામે કેસ ચાલ્યો હતો. જેમાં 12 સાહેદ અને 30 પુરાવા તપાસવામાં આવ્યા હતા. ભોગ બનનાર સગીર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. વળી આરોપીએ ઉતારેલ વીડિયો વાઇરલ થતા શાળાએ ભોગ બનનારના વાલીને બોલાવીને તેની જાણ કરી હતી. ભોગ બનનાર સગીર જ્યાં ટ્યુશન ક્લાસમાં જતો હતો, ત્યાં આસપાસમાં આરોપી સગીર રહેતો હતો, જ્યાંથી તેની આરોપી સાથે ઓળખાણ થઈ હતી. આરોપી અત્યારે 19 વર્ષનો થઈ ચૂક્યો છે, જે ઘટના સમયે 17 વર્ષનો હતો. સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને પીડિત સગીરને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આરોપી 21 વર્ષનો થાય ત્યાં સુધી તેને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવા અને બાદમાં જેલમાં મોકલી આપવા હુકમ કરાયો છે.