
વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે. વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા બાદ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ તાલાલા પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી છે. આથી, દેવાયત ખવડ હવે 17 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો.
સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું કે વેરાવળ સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલના આદેશ મુજબ, દેવાયત ખવડને તારીખ 17 સપ્ટેમ્બર, 2025 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. દેવાયત ખવડ કોર્ટમાં હાજર ન હોવા છતાં, તેના વકીલ દ્વારા જામીન રદ થવા અને રિમાન્ડ મંજૂર કરવા સામે કોઈ વાંધો ન હોવાનું લેખિતમાં જણાવવામાં આવ્યું હતું, જેને કોર્ટે આરોપીની સંમતિ તરીકે ગણ્યું હતું. આ હુકમ બાદ હવે તાલાલા પોલીસ દેવાયત ખવડની કસ્ટડી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ કેસની વિગતો મુજબ, થોડા દિવસો પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીને જામીન મંજૂર કર્યા હતા, જોકે તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી. આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ અને અન્ય સાત આરોપી વિરુદ્ધ હુમલાના કેસમાં તાલાલા પોલીસે ગત તારીખ 18/8/25ના રોજ દેવાયત ખવડના 7 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધી હતી. આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ પણ આપ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માગ થઈ રહી હતી, જ્યારે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો. આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ.જાની સમક્ષ બંને પક્ષ વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી હતી.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાત્રે 9:45 કલાકે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ નામંજૂર કર્યા અને કેસના તમામ આરોપીઓ, જેમાં દેવાયત ખવડ સહિત 7 લોકોને જામીન મંજૂર કર્યા હતા, જોકે પોલીસ દ્વારા આ જામીનને પડકારવામાં આવ્યા હતા. આરોપીઓ સામે BNSની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્સ એક્ટની કલમ લગાવી છે. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.
આખો બનાવ શું હતો ?ઃ ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.
ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતાં જ સનસનાટી મચી ગઈ હતી. મોડીરાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ હતી. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા.
બંને વચ્ચેની જૂની અદાવત શું છે?ઃ નોંધનીય છે કે સનાથલ ગામ ખાતે ગઈ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતાં તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદથી બંને જૂથ વચ્ચે વેરનાં બીજ રોપાયાં હતાં.