
ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જતીન પંચાલ દ્વારા તેની સામે દાખલ થયેલી IPC, પોક્સો અને IT એક્ટ અંતર્ગતની પોલીસ ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી નાખી છે. આરોપી સામે એક 16 વર્ષીય સગીરાની માતાએ ફરિયાદ દાખલ કરી હતી. કેસની વિગતે જોતા વર્ષ 2020માં ફરિયાદીની 16 વર્ષની દીકરી આખો દિવસ મોબાઈલ મચડતી રહેતી હતી. જેથી તેની માતાએ સગીરા પાસેથી ફોન લઈને ચેક કરતા તેમને ટીકટોક વીડિયો જોવા મળ્યો હતો. જેમાં આરોપી સગીરા સાથે સેલ્ફી લેવાની કોશિશ કરે છે, સગીરાએ ના પાડતા આરોપી તેને લાફો મારે છે. ત્યાર પછી સગીરા સાથે આરોપી સેલ્ફી લે છે. સગીરા રડતાં રડતાં આરોપીના પગ પકડતી હોય તેવું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.સગીરાની માતાએ આ બાબતે તેણીને પૂછતા જણાવ્યું હતું કે, તે પોતાની બહેન અને અન્ય સંબંધીઓ સાથે અમદાવાદના NID પાછળ આવેલ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ગઈ હતી. જ્યાં તેની મુલાકાત આરોપી સાથે થઈ હતી. બંનેએ મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બાદમાં બંને વોટ્સેપ ઉપર ચેટીંગ કરતા હતા. તેના એક અઠવાડિયા બાદ ફરી સગીરા NID પાછળના રિવરફ્રન્ટ ઉપર આરોપીને મળે છે. જ્યાં આ ટીકટોક વીડિયો બનાવવામાં આવે છે. આમ આરોપીએ સગીરાને ફોસલાવીને તેને ત્રાસ આપ્યો હતો.
અરજદાર વતી તેના વકીલે રજૂઆત કરી હતી કે, આ ફક્ત એક સ્ક્રિપ્ટેડ વીડિયો હતો. ટીકટોક વીડિયો બનાવવામાં પોક્સોની કલમો લાગે નહીં. આ વીડિયો બનાવવામાં આરોપીનો કોઈ જાતીય ઇરાદો નહોતો. આરોપીએ પીડિતાને છેતરી નથી કે ત્રાસ આપ્યો નથી. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી સામે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે અને ચાર્જફ્રેમ થઈને ટ્રાયલ શરૂ થઈ છે. આરોપીએ સગીરાને ફોસલાવીને ટીકટોક વીડિયો બનાવ્યો હતો. તેને સગીરા સાથે જાતીય ઇરાદાથી વીડિયો બનાવ્યો અને સગીરાના શરીરને સ્પર્શ પણ કર્યો છે. આ કેસમાં સગીરા નર્સિંગનો કોર્સ કરતી હતી. આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો હતો. માતાએ સમગ્ર હકીકત જાણીને દીકરીને સમજાવવાની કોશિશ કરતા, સગીરાએ પોતાની જાતને બાથરૂમમાં પૂરી દીધી હતી. તેને દરવાજો ના ખોલતા માતાએ 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી હતી. બાદમાં આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી. હાઇકોર્ટે અરજદારની અરજી નકારતા નોંધ્યું હતું કે, આરોપીએ પ્રથમદર્શી રીતે સગીરાને હેરાન કરી છે. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. આરોપી સામે ટ્રાયલ કોર્ટમાં ચાર્જફ્રેમ થઈને ટ્રાયલ પણ શરૂ થઈ ચૂકી છે. ફરિયાદીની 16 વર્ષીય સગીર દીકરીને આરોપીએ ફોસલાવી હેરાન કરીને તેનું જાહેરમાં ફિલ્માંકન કર્યું હતું. આરોપીએ મહિલા પ્રત્યે સંવેદનશીલતા દાખવી નથી.