
અમદાવાદમાં હવે વાહન લઈને તમારા જીવના જોખમે જ નીકળી જો. કારણ કે, ક્યારે ખાડો પડે અથવા તો પડેલા ખાડામાં પડી જઈશો, એવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણી, ગટર કે અન્ય લાઈન નાખવા માટે કરેલા ખાડામાં આજુબાજુ ક્યાંય બેરિકેડિંગ યોગ્ય રીતે ન કરેલું હોવાના કારણે લોકો ખાડામાં પડે છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરલાઈન માટે નાખવામાં આવેલા ખાડામાં બાઈક લઈને યુવક પડ્યો હતો. રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો પણ બંધ હતી. ખાડાની આજુબાજુ બેરિકેડિંગ ન હોવાથી યુવક બાઇક સાથે પડ્યો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકને બાઈક સાથે બહાર કાઢ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવક ખાડામાં પડ્યો હતો.
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પારસમણી ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરલાઈન માટે ખાડો ખોદેલો હતો, જેની આજુબાજુ ક્યાંય બેરિકેડિંગ નહોતા. 11 સપ્ટેમ્બરની રાત્રે 8:00 વાગ્યાની આસપાસ એક યુવક બાઈક લઈને નોકરી પર જઈ રહ્યો હતો. આ દરમિયાનમાં ખાડા પાસે કોઈ બેરિકેડિંગ ન હોવાના કારણે પસાર થવા જતા સીધો ખાડામાં પડ્યો હતો. આસપાસના લોકોએ દોડી આવીને અંધારા ખાડામાંથી બાઈકચાલકને બહાર કાઢ્યો હતો. સદનસીબે બાઈકચાલકને કોઈ ઈજા થઈ નહોતી. યુવકનું બાઈક પણ બહાર કાઢી લેવામાં આવ્યું હતું.
કોર્પોરેશનના ખોદેલા ખાડાની આસપાસ કોઈપણ પ્રકારના બેરિકેડિંગ લગાવ્યા નહોતા, જેથી આ ખાડા જોખમી બની ગયા છે. આ બાબતે અમરાઈવાડી બોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડને પણ જાણ કરી અને તાત્કાલિક બેરિકેડિંગ કરાવવા માટે જાણકારી હતી. અમરાઈવાડી ટોરેન્ટ ઓફિસથી પારસમણિ ચાર રસ્તા થઈને નેશનલ હેન્ડલૂમ સુધી રોડ પર સ્ટ્રીટ લાઈટના થાંભલાઓ પણ એક અઠવાડિયાથી બંધ છે, જેથી રસ્તે જતા નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તાત્કાલિક ધોરણે બેરિકેડિંગ કરી અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને ચાલુ કરાવવા માટેની પણ જાણકારી હતી.
શહેરમાં એક જ દિવસમાં હાટકેશ્વર, શાહીબાગ નમસ્તે સર્કલ નજીક, ફતેવાડી પાસે મળી કુલ 4 સ્થળે ભૂવા પડ્યા હતા. હાટકેશ્વરમાં તો પરોઢિયે એક રિક્ષા ભૂવામાં ખાબકતાં પાંચ લોકોને ઈજા થઈ હતી. તમામને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. પરોઢિયે રિક્ષાચાલક ત્યાંથી પસાર થયો અને ભૂવો દેખાયો નહીં. આ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 55 ભૂવા પડ્યા છે. ગત વર્ષે શહેરમાં પડેલા ભૂવા પુરવા 10 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે આ વર્ષે ભૂવા પૂરવા 7 કરોડના ખર્ચનો મ્યુનિ.નો અંદાજ છે. શાહીબાગ પાસે ભૂવો પડતાં વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. આશ્રમ રોડ વલ્લભસદન પાસે બે દિવસ પડેલા ભૂવાને ગુરુવારે બેરીકેડિંગ કરાયું હતું. શહેરમાં લગભગ 23 સ્થળ તો એવા છે જ્યાં અવારનવાર ભૂવા પડે છે.