ગાંધીનગરના ઉવારસદની ફેક્ટરીમાં ચોરીને અંજામ આપનાર ચોર ઝડપાયો, 6.62 લાખનો મુદ્દામાલ જપ્ત

Spread the love

 

ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉવારસદ ગામના વાવોલ રોડ પર આવેલી એક ફેક્ટરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે. પોલીસે ચોરીમાં વપરાયેલા વાહન સહિત કુલ રૂ.6.62 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના અનડીટેક ગુનાઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજાએ તાબાના અધિકારીઓને ખાસ સૂચના આપી છે .જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ દિવાનસિંહની અલગ-અલગ ટીમ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે, અડાલજ ખાતેથી મોમીન મોહંમદઉમર મોહંમદયુનુસ (ઉં.વ. 30, રહે. શરીફાબાદ સોસાયટી, અમદાવાદ) નામના આરોપીને બોલેરો પીકઅપ ગાડી સાથે ઝડપી લેવાયો હતો. બાદમાં વાહન અને તેમાં રહેલા સામાન અંગે પૂછપરછ કરતા આરોપીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેની કડકાઈથી પૂછતાછ કરતાં તેણે ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી ચેચીસ ઝેક, લોખંડના પાટા, ગ્રાઈન્ડર, નટ બોલ્ડ બોક્સ, બ્રાકેટ, રેડિએટર કુલન્ટ, બેલ કેક, ઝુલા અને અન્ય પરચુરણ સામાન મળી કુલ રૂ. 62,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત રૂ.6 લાખની કિંમતની ચોરીમાં વપરાયેલ બોલેરો મેક્સ પીકઅપ ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ પોલીસે કુલ રૂ. 6,62,600ની મત્તાનો મુદ્દામાલ કબજે લઇ પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે અડાલજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *