બ્રિટનના કટ્ટરપંથી નેતા ટોમી રોબિન્સન દ્વારા આયોજિત ‘યૂનાઈટ ધ કિંગડમ’ માર્ચમાં શનિવારે (13 સપ્ટેમ્બર) એક લાખથી વધુ લોકો જોડાયા હતા. જોકે, આ રેલી દરમિયાન હિંસા ભડકી ઉઠી જ્યારે રોબિન્સનના સમર્થકોનું એક જૂથ પોલીસ અને વિરોધી પ્રદર્શનકારીઓ (કાઉન્ટર-પ્રોટેસ્ટર્સ) સાથે ઝઘડી પડ્યું. પોલીસ પર બોટલો ફેંકવામાં આવી, અનેક અધિકારીઓને મુક્કા અને લાતો મારવામાં આવી.
પરિસ્થિતિ વણસે ત્યારે હુલ્લડ-વિરોધી દળોને તૈનાત કરવા પડ્યા.
પોલીસકર્મીઓ પર હુમલો, 26 ઘાયલ
મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, 26 પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેમાંથી ચારને ગંભીર ઈજાઓ થઈ. કોઈનું નાક તૂટી ગયું, કોઈના દાંત તૂટ્યા, જ્યારે એક અધિકારીને કરોડની ઈજા થઈ. આ હિંસામાં સામેલ 25 લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
“ઘણા લોકો ફક્ત હિંસા માટે આવ્યા હતા”
આ મામલે એસિસ્ટન્ટ કમિશનર મેટ ટ્વિસ્ટે જણાવ્યું, “ઘણા લોકો શાંતિપૂર્ણ રીતે આવ્યા હતા, પરંતુ મોટી સંખ્યામાં લોકો હિંસા ફેલાવવાના ઈરાદે પહોંચ્યા હતા. તેમણે પોલીસ પર હુમલો કર્યો અને સુરક્ષા ઘેરાને તોડવાનો પ્રયાસ કર્યો.”
અપેક્ષા કરતાં વધુ ભીડ, વિરોધી પ્રદર્શન પણ થયું
રેલીમાં 1,10,000થી 1,50,000 લોકો સામેલ થયા હતા, જ્યારે તેની સામે ‘માર્ચ અગેન્સ્ટ ફાસિઝમ’ નામની રેલીમાં લગભગ 5,000 લોકો એકઠા થયા હતા. ત્યાં લોકોએ “શરણાર્થીઓનું સ્વાગત છે” અને “ફાર-રાઈટને ખતમ કરો” જેવા નારા લગાવ્યા.
નેતાઓ અને જાણીતી હસ્તીઓની પ્રતિક્રિયા
ફ્રાન્સના ફાર-રાઈટ નેતા એરિક ઝેમૂરે જણાવ્યું કે યુરોપ પર મુસ્લિમ દેશોમાંથી વસાહતીકરણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, એલન મસ્કે વીડિયો સંદેશ મોકલીને બ્રિટનની લેફ્ટ-લીનિંગ સરકાર પર હુમલો કર્યો અને કહ્યું કે અનિયંત્રિત સ્થળાંતર બ્રિટનને ખતમ કરી રહ્યું છે.
ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ
રેલીમાં અમેરિકન રૂઢિચુસ્ત કાર્યકર્તા ચાર્લી કિર્કની યાદમાં એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું અને બેગપાઈપરે “અમેઝિંગ ગ્રેસ” ધૂન વગાડી.
ટોમી રોબિન્સન અને તેમના સમર્થકોના નારા
ટોમી રોબિન્સન (અસલી નામ સ્ટીફન યેક્સલે-લેનન) ઇંગ્લિશ ડિફેન્સ લીગના સ્થાપક છે અને બ્રિટનના સૌથી મોટા ફાર-રાઈટ ચહેરાઓમાં ગણાય છે. તેમના સમર્થકોએ “સ્ટોપ ધ બોટ્સ”, “સેન્ડ ધેમ હોમ” અને “વી વોન્ટ આવર કન્ટ્રી બેક” જેવા નારા લગાવ્યા.