સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી પાર્ક પેવેલિયન હોટલમાંથી કૂટણખાનું ઝડપાયું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે હોટલમાં રેડ પાડીને થાઈલેન્ડની 13 યુવતીઓને મુક્ત કરાવવી છે. આ ઉપરાંત ૫ ગ્રાહકો અને મેનેજર સહીત 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જયારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ વાસુ પૂજ્ય ઇન્ફ્રા બિલ્ડીંગમાં આવેલી પાર્ક પેવેલિયન હોટલમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ પાડી હતી.
જ્યાંથી કુલ 1.68 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે મેનેજર તરીકે કામ કરનાર બે આરોપીઓ, હાઉસ કીપિંગ તરીકે કામ કરતા બે આરોપીઓ અને 5 ગ્રાહકોને પણ ઝડપી પાડ્યા હતા.
આ ઉપરાંત પોલીસે અહીંથી 13 વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. આ 13 વિદેશી મહિલાઓ થાઈલેન્ડની છે પોલીસે તેમની પાસપોર્ટની નકલ પરથી તેઓ વિઝીટર વિઝા પરથી ભારત આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ઘટનામાં કુટણખાનું ચલાવનાર મુખ્ય આરોપી વિજય મોહન ક્સ્તુરે, તેમજ હોટલમાં આવતા ગ્રાહકો દ્વારા જે ઓનલાઈન આપવામાં આવતા પૈસા યોગેશ દિલીપભાઈ તાલેકરના બેંક ખાતામાં જમા લેવામાં આવે છે અને હોટલમાં યોગેશના બેંક ખાતાનો QR કોડ પણ રાખવામાં આવ્યો હોય પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત ધંધો સંભાળનાર મેઈન મેનેજર ગણપત યાદવ અને છોકરીઓને હોટલ સુધી લાવવા અને લઇ જવાનું કામ કરતા ડ્રાઈવર અશોક મામા નામના ઇસમને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.