અમેરિકાના ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગમાં કટોકટી વધુ ઘેરી બની, અનેક નાના યુનિટો બંધ, હજારો કામદારો બેરોજગાર

Spread the love

 

નવા ટેરિફના અમલ પછી હીરાના ઓર્ડર ઘટીને લગભગ અડધા થઇ ગયા

બેરોજગાર બનેલા કામદારો ખેતી કરવા તેમના ગામડાઓમાં પાછા ગયા

સુરત ડાયમંડ એસોસિએશનને જોકે ક્રિસમસમાં હીરાની ચમક પાછી આવવાની આશા

હવે, નવા યુએસ ટેરિફને કારણે નિકાસ વધુ મુશ્કેલ બની છે, જેના કારણે હજારો કામદારો બેરોજગારી તરફ ધકેલાઈ ગયા છે.

રાજ્યમાં 3,500 થી વધુ હીરા એકમો છે અને સાત લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે. પરંતુ આજે તેમાંથી ઘણા એકમો તેમની ક્ષમતાથી અડધા ચાલે છે અથવા બંધ થઈ રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો થાય અને ટેરિફમાં ઘટાડો થાય તેની તરફ હવે હીરા ઉદ્યોગ મીટ માંડીને બેઠો છે.

સુરેન્દ્રનગરમાં, 58 વર્ષીય ગોવિંદભાઈ ધાબીએ તાજેતરમાં તેમનો 30 વર્ષ જૂનો હીરાનો વ્યવસાય બંધ કરી દીધો છે. તેમની પાસે 30 કામદારો અને છ મશીનો હતા, પરંતુ તેમની પાસે હાલ કોઈ ઓર્ડર નથી. તેઓ કહે છે કે યુએસના ટેરિફે બધું છીનવી લીધું. અમે આ વ્યવસાયમાં ખતમ થઈ ગયા છીએ. તેમના મિત્ર ધીરુભાઈ પ્રજાપતિ કે જેમની પાસે 20 થી વધુ મશીનો છે, તેઓ હવે ફક્ત 10 જ ચલાવી રહ્યા છે. નવા ટેરિફ પછી હીરાના ઓર્ડર ઘટીને લગભગ અડધા થઇ ગયા છે.

સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને સુરતમાં નાના કારખાનના માલિકો સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા કામદારો ખેતી કરવા તેમના ગામડાઓમાં પાછા ફર્યા છે. નાના યુનિટો બંધ થઇ રહ્યા છે ત્યારે તેના માલિકો સરકારની મદદ માંગી રહ્યા છે. ભારત લાંબા સમયથી હીરા પોલિશિંગમાં અગ્રેસર રહ્યું છે. પરંતુ આજે તે ચમક ઝાંખી પડી ગઈ છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અનુસાર, ભારતે 2024-25માં 13.2 અબજ ડોલરના કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરી હતી, જેમાંથી 4.8 અબજ ડોલરના હીરા યુએસ ગયા હતા. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડ્યુટી વધારીને 50 ટકા કરી પછી હવે વેપાર કરવો લગભગ અશક્ય બની ગયો છે.

ભારતમા હીરાની ખાણો ન હોઇ રફ હીરા મુખ્યત્વે દક્ષિણ આફ્રિકા અને યુક્રેનથી આયાત થાય છે. યુદ્ધને કારણે આયાત 2023-24માં 14.26 અબજ ડોલરથી ઘટીને 2024-25માં 10.08 અબજ ડોલરની થઇ હતી. જો અમેરિકાના બજારમાં નિકાસ નહીં થઇ શકે તો આયાતમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે.

સુરત ડાયમંડ એસોસિએશન જોકે આશાવાદી છે. તેના પ્રમુખ, જગદીશ ખુંટે જણાવ્યું હતું કે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન યુએસમાં માંગ વધશે કારણ કે હીરા અમેરિકનો માટે પરંપરા છે. ઉપપ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે ઊંચા ટેરિફથી યુએસ ખરીદદારોને પણ નુકસાન થશે, જેથી તેઓ તેમની સરકાર પર ટેક્સ ઘટાડવા માટે દબાણ કરી શકે છે.

મોટી કંપનીઓ જોકે ટકી શકે છે. રોયલ ઇમ્પેક્સના રમેશ દખરાએ કહ્યું કે તેઓ હીરાનો સ્ટોક કરી રહ્યા છે અને નવા બજારો શોધી રહ્યા છે. એસોસિએશનના સંયુક્ત સચિવ, જસમીતભાઈ વાઘાણી, ચીન અને ગલ્ફ દેશોમાં તકો જુએ છે, જ્યાં કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગોનો પણ અભાવ છે. કેટલાક વેપારીઓ થાઇલેન્ડ અને હોંગકોંગ તરફ નજર દોડાવી રહ્યા છે જ્યાં ટેરિફ ઓછા છે, જેથી યુએસમાં ફરીથી નિકાસ કરી શકાય.

પરંતુ નાના ખેલાડીઓ માટે, ટકી રહેવું અશક્ય બની રહ્યું છે. ડાયમંડ વર્કર્સ યુનિયન કહે છે કે સુરતમાં હજારો લોકોએ પહેલાથી જ નોકરી ગુમાવી દીધી છે. યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, ઘણા યુનિટ જેમાં ત્રણ શિફ્ટ હતી તે હવે ફક્ત એક જ શિફ્ટ ચલાવે છે. એક લાખથી વધુ કામદારોને અસર થઈ છે.

રાજ્ય સરકારે છટણી કરાયેલા કામદારોના બાળક દીઠ રૂ. 13,500 ચૂકવવાની યોજના જાહેર કરી હતી. પરંતુ 10 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 86,000 અરજીઓમાંથી માત્ર 170પરિવારોને જ સહાય મળી હતી. યુનિયન નેતાઓને ડર છે કે વાસ્તવિક સહાય વિના, દિવાળી પછી કટોકટી વધુ વકરી શકે છે.

આ પહેલી વાર નથી જ્યારે ઉદ્યોગને ફટકો પડ્યો હોય. અગાઉ નોટબંધી અને કોવિડ રોગચાળા દરમિયાન હીરા ઉદ્યોગ કફોડી હાલતમાં મુકાયો હતો. હવે યુએસના ટેરિફથી વધુ મોટો ફટકો પડ્યો છે. સુરતમાં ઘણા પરિવારો દ્વારા ચાલતા ધંધા પણ ભારે દબાણ હેઠળ છે. માલિકો સરળતાથી બંધ કરી શકતા નથી કારણ કે તેમના મોટાભાગના કામદારો તેમના સંબંધીઓ છે.

દૈનિક વેતન કામદારો દરરોજ રૂ. ૩૦૦ થી 5૦૦ કમાય છે, પરંતુ ઉત્પાદન ઘટવાથી તેમની કમાણી ઘટી ગઈ છે. ઘણી મહિલાઓ પણ બેરોજગાર બની છે કે આવક ઘટી છે. સુરેન્દ્રનગરની શોભના કુરિયાએ જણાવ્યું હું કે પહેલાં હું દરરોજ 80થી 100 હીરાનું કટિંગ કરતી હતી પણ હવે મને ફક્ત ૩૦ કે 40 હીરા જ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *