પોક્સો કોર્ટે 3 વર્ષની સજા, 1 લાખનો દંડ ફટકાર્યો:
આરોપીએ બે સગીરા સહિત 3 બહેનના ફોટા વ્હોટ્સએપ ગ્રુપમાં વાઇરલ કરી બિભત્સ લખાણ લખ્યું હતું

માણસા તાલુકાના એક ગામની બે સગીર વયની સહિત ત્રણ બહેનોના ફોટા વ્હોટ્સએપ ગ્રુપમાં વાઇરલ કરવાની સાથે બિભત્સ લખાણ અને વીડિયો મુકી બદનામ કરવાના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને એક લાખનો દંડ ભોગવવાનો હૂકમ કર્યો છે. ઉપરાંત બે પીડિત સગીરાને એક-એક લાખ અને તેમની પુખ્ત વયની બહેનને પણ 50 હજારનું વળતર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ચૂકવી આપવાનો કોર્ટે આદેશ કર્યો છે.
આરોપીએ એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું, સગીરાના ફોટા ગ્રુપમાં નાખી કોલગર્લ તરીકે દર્શાવી
આ કેસની વિગત એવી છે કે, 15 ફેબ્રુઆરી, 2023ના રોજ આરોપી રાહુલે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં તેણે બે સગીરા (જેની ઉંમર અનુક્રમે 15 વર્ષ 8 માસ અને 17 વર્ષ 5 માસ હતી) અને તેમની 24 વર્ષની બહેનના ફોટા પોસ્ટ કર્યા હતા. આ ગ્રુપનું નામ પણ આરોપીએ બિભત્સ રાખીને સગીરાઓને કોલગર્લ તરીકે દર્શાવી હતી અને એમાં ભાવ તેમજ સમયનો પણ ઉલ્લેખ કરી અશ્લીલ લખાણ લખ્યું હતું. આટલું ઓછું હોય એમ આરોપી રાહુલ રાઠોડે આ ગ્રુપમાં ભોગબનનારના પરિવારજનો અને ગામના અન્ય લોકોના નંબર એડ કરીને ફોટા અને બિભત્સ વીડિયો વાઈરલ કર્યા હતા.
ભોગ બનનાર બહેનોના પિતાની ફરિયાદ બાદ કોર્ટમાં ચાર્જશીટ
આ મામલે માણસા પોલીસ મથકમાં ભોગ બનનાર બહેનોના પિતાએ 13 ઓક્ટોબર, 2023ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે, આરોપીએ ગંભીર ગુનો આચર્યો છે, આવા ગુનાઓ સમાજમાં વારંવાર બને છે અને તેને અટકાવવા માટે આરોપીને સખત સજા અને દંડ થવો જોઈએ. અન્ય લોકો આવા કૃત્ય કરતાં અટકે અને સમાજમાં એક દાખલો બેસે.
કોર્ટે આરોપીને 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો
વધુમાં તેમણે એ પણ રજૂઆત કરી હતી કે, ભોગબનનાર બાળકીઓને વળતર પણ મળવું જોઈએ. આ તમામ રજૂઆતો અને પુરાવાઓ ધ્યાનમાં રાખીને ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રાહુલસિંહ શિવુસિંહ રાઠોડને 3 વર્ષની કેદ અને રૂ. 1 લાખ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિત બે સગીરાને એક-એક લાખ તેમજ તેમની પુખ્ત વયની બહેનને પણ 50 હજારનું વળતર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ચૂકવી આપવાનો કોર્ટે આદેશ કર્યો છે.