
અમદાવાદના વેપારીને ફેસબુક પર યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતીએ આધેડ વેપારીને ગોલ્ડ MCXમાં ટ્રેડિંગ કરવાના બહાને ઇન્વેસ્ટ કરાવવાનું શરૂ કર્યું હતું. યુવતીએ બનાવટી એપ્લિકેશનમાં જ વેપારી પાસેથી શરૂઆતમાં રોકાણ કરાવ્યું હતું. જેની સામે નફા સાથેનું વળતર આપ્યું હતું. જેથી, વેપારીને વિશ્વાસ આવતા યુવતીના કહેવાથી 98 લાખથી વધુનું રોકાણ કરાવી 47 હજાર પરત આપ્યા, જ્યારે બાકીના 97.91 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુરમાં રહેતા મનીષ પટેલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પાણીના પંપ બનાવવાનો વેપાર કરે છે. વર્ષ 2024માં તેમની ફેસબુક પર સીમા નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી.સીમા શરૂઆતમાં તેમની સાથે સામાન્ય વાત કરતી હતી. જે બાદ તેમનું ધ્યાન રાખતી અને ઘરના સભ્યની જેમ તેમની સાથે વાતચીત કરતી હતી. આ દરમિયાન સીમાએ મનીષભાઈને ગોલ્ડ MCXમાં ટ્રેડિંગ કરવાનું જણાવ્યું હતું. મનીષભાઈએ સીમાના કહેવાથી શરૂઆતમાં 40 હજારનું સીમાએ બતાવેલી એપ્લિકેશનમાં રોકાણ કર્યું હતું. જેની સામે તેમને 8000 રૂપિયાનો નફો થયો હતો. મનીષભાઈએ નફા સહિતની રકમ વીડ્રો કરી ત્યારે તે થઈ ગઈ હતી. તેથી, તેમને સીમા અને એપ્લિકેશન ઉપર વધુ વિશ્વાસ આવ્યો હતો.
જે બાદ સીમાના કહેવાથી તેમણે એપ્લિકેશનમાં ફરીથી ટુકડે-ટુકડે 97.91 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને એપ્લિકેશનમાં નફો બતાવતા હતા. મનીષભાઈ જ્યારે આ નફાની રકમ વીડ્રો કરવા ગયા ત્યારે 30 ટકા ટેક્સ ભરવું પડશે એવું તેમને જણાવ્યું હતું. તેથી, તેમને શંકા દેતા તેમણે તપાસ કરી ત્યારે સીમા નામની યુવતીએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું તથા તેમને જે એપ્લિકેશનમાં રોકાણ કર્યું હતું એપ્લિકેશન પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.