
અખબારનગર સર્કલ નજીક રહેતા અને ઘરેથી જ ઇમિટેશન જ્વેલરીનું કામ કરતાં સિનિયર સિટીઝન મહિલા પાસેથી સાઇબર ગઠિયાએ રૂ.10 લાખ પડાવી લીધા હતા. વંદના પાર્કમાં રહેતાં સુનિતાબહેન પટેલ ઘરેથી ઇમિટેશન જ્વેલરીનું કામ કરે છે. 27 એપ્રિલે તેમના એક પરિચિતે તેમને કહ્યું હતું કે, ઓનલાઇન ટાસ્ક પૂરાં કરવાનું કામ કરવાથી પૈસા મળી શકે છે. સુનિતાબહેન સંમત થતા પરિચિતે તેમને ફોનમાં લિંક મોકલી હતી.
21 મેથી સાઇબર ગઠિયાએ સુનિતાબહેનને ટાઇમલિમિટમાં પેજ વાંચવાનાં ટાસ્ક પૂરાં કરવા આપ્યાં હતાં, જે પૂરાં કરતાં સુનિતાબહેનના એકાઉન્ટમાં પૈસા આવતા હતા. આમ ધીમે ધીમે સુનિતાબહેનને પૈસાનું રોકાણ કરી વધારે સ્ટેપમાં ટાસ્ક પૂરાં કરવાનું કહેવાતા તેમણે 5 દિવસમાં 15 ટ્રાન્ઝેક્શનથી રૂ.10 લાખ ભર્યા હતા. ત્યાર બાદ સુનિતાબહેનને એક પણ રૂપિયો પાછો ન મળતાં તેમણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.