ગૂજરાત વિદ્યાપીઠમાં સેવા પખવાડિયાની ઉજવણી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ દરમિયાન “સેવા પખવાડિયા”ની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. આ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કમ્પ્યુટર વિભાગ દ્વારા “SEVA – Sevak Entry & Visitor Appointment (સેવા)” એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે. આ એપ્લિકેશન દ્વારા ગૂજરાત વિદ્યાપીઠના કર્મચારીઓ એકબીજા સાથે મીટિંગનું આયોજન કરી શકશે. ખાસ વાત એ છે કે ગૂજરાત વિદ્યાપીઠ આ કાર્યક્રમમાં રાજ્યની સહભાગી યુનિવર્સિટીઓને આ એપ્લિકેશન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવશે.

જનરેટિવ એ.આઈ વર્કશોપઃ
ગૂજરાત વિદ્યાપીઠના કમ્પ્યુટર વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી (ખેડા)ના સંયુક્ત ઉપક્રમે “હેન્ડસ ઓન જનરેટિવ એ.આઈ. : એન્હેન્સિંગ નોલેજ એડવાઇઝરી એન્ડ પ્રોડક્ટિવિટી” વિષયક બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે અમદાવાદ સ્થિત આદિવાસી પરિસંવાદ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાશે. આ પ્રસંગે કાર્યક્રમની અધ્યક્ષતા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલ કરશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડૉ. અનીશ ચિનુભાઈ બેરોનેટ, ચીફ ટેક્નોલોજી ઓફિસર, એમેનેક્સ ઇન્ફોટેક્નોલોજીઝ, અમદાવાદ ઉપસ્થિત રહેશે.

વિશ્વકર્મા પૂજનઃ
તે જ દિવસે એટલે કે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૪ વાગ્યે વિકાસ વિભાગ ખાતે વિશ્વકર્મા દિવસ નિમિત્તે પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજન ગૂજરાત વિદ્યાપીઠના આદરણીય કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના હસ્તે કરવામાં આવશે.
ગૂજરાત વિદ્યાપીઠનો વિકાસ વિભાગ (વિશ્વકર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કૌશલ એન્ડ સ્વાવલંબન – VIKAS) વિદ્યાર્થિઓમાં કુશળતા, સ્વાવલંબન અને આત્મનિર્ભરતા વિકસાવવા માટે કાર્યરત છે. વિવિધ તાલીમાત્મક પ્રવૃત્તિઓ, કુશળતા વિકાસ કોર્સ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસી અને વ્યવસાયિક જીવન માટે તૈયાર કરવાની જવાબદારી વિકાસ વિભાગ નિભાવતું આવ્યું છે. આ પૂજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું ન રહી, પરંતુ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ અને સ્વાવલંબન તરફ દોરી જતી સતત કામગીરીનું પ્રતીકરૂપ પણ સાબિત થશે.

રેંટિયાબારસ કાર્યક્રમ
“સેવા પખવાડિયા” અંતર્ગત ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૮ થી ૯ વાગ્યા સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “રેંટિયાબારસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લગભગ ૨૦૦૦ વિદ્યાર્થીઓ સામૂહિક રીતે કાંતણ કરશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગ્રામ ઉદ્યોગ, ખાદી અને ગ્રામિણ ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *