
બરેલી ખાતે આવેલા બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણીના ઘર પર ફાયરિંગ કરનારા બે હુમલાખોરોને ઉત્તરપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. ગાઝિયાબાદ ખાતે સ્પેશિયલ ટાસ્ક ફોર્સે બંને આરોપીઓને આંતર્યા હતા અને સામ-સામા ગોળીબારમાં બંનેને ઠાર મરાયા હતા. મૃતકો ગોલ્ડી બ્રાર અને રોહિત ગોડારા ગેંગ સાથે સંકળાયેલા હતા. મૃતક હુમલાખોરોની ઓળખ રવિન્દર ઉર્ફે કુલ્લુ અને અરુણ તરીકે થઈ છે. પોલીસ સાથે અથડામણમાં ગંભીર ઈજાને પગલે તેઓ મોતને ભેટ્યા હતા.
હુમલાખોરો ગાઝિયાબાદના ટ્રોનિકા શહેરમાં હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વિસ્તારને કોર્ડન કરી આરોપીઓને આંતર્યા હતા. હુમલાખોરોએ ગોળીઓ ચલાવતા પોલીસે સ્વરક્ષણમાં વળતું ફાયરિંગ કર્યું હતું. ઉત્તર પ્રદેશના એડિશનલ ડીજી (લો એન્ડ ઓર્ડર) અમિતાભયશે જણાવ્યું હતું કે, સ્થળ પરથી બે પિસ્ટલ અને મોટી માત્રામાં કાટ્રિજ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૨ સપ્ટેમ્બરે સવારે 3.30ના અરસામાં મોટરબાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ બરેલી ખાતે આવેલા દિશા પટાણીના ઘર પર ફાયરિંગ કર્યું હતું.