અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા, સાઉથ કેરોલિનામાં રહેતા મુળ બોરસદના કિરણ પટેલનું મોત, હુમલાખોરે લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું

Spread the love

 

 

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા બોરસદના કિરણ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. 49 વર્ષીય કિરણ પટેલ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા. આ હુમલો 16 સપ્ટેમ્બરની રાત્રે થયો, જ્યારે કિરણ પટેલ સ્ટોરમાં એકલા હતા અને હિસાબ કરી રહ્યા હતા. આ દરમિયાન બુકાનીધારી એક હુમલાખોર સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. હુમલાખોર લૂંટ કરવા આવ્યો હતો, પરંતુ કિરણ પટેલ તેમને પૈસા આપે તે પહેલાં જ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. જેમાં કિરણબેન પટેલને ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ લૂંટના ઈરાદાથી કરવામાં આવેલો હુમલો જણાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો.
કિરણને ગોળી મારી લૂંટારો પણ ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ થોડી જ સેકન્ડોમાં તે કિરણ પટેલ નિશ્ચેત હાલતમાં જ્યાં પડ્યા હતા ત્યાં પાછો આવ્યો હતો અને કિરણ પટેલ પર વધુ એકાદ-બે રાઉન્ડ ફાયર કર્યા બાદ તે નાસી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કિરણ પટેલના ગેસ સ્ટેશન પર પહોંચી હતી પરંતુ કિરણ પટેલનું ત્યાં સુધી મોત થઈ ચૂક્યું હતું. કિરણ બેનના બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં રહે છે.
કિરણ પટેલને શૂટ કરાયા તે જ દિવસે સાઉથ માઉન્ટેઈન સ્ટ્રીટમાં પણ આવી જ એક ઘટના બની હતી, જોકે તેમાં સામેલ આરોપી એક જ હતો કે કેમ તેની વિગતો નથી મળી શકી. કિરણ પટેલને ગોળી મારવામાં આવી તે ઘટનાના જે બે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે તેમાં માસ્ક અને હૂડી પહેરીને આવેલો એક હુમલાખોર દેખાઈ રહ્યો છે. આ હત્યા યુનિયન કાઉન્ટીમાં 24 કલાકમાં બીજી હત્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. સ્થાનિક રહેવાસીઓએ આ હિંસા વિરુધ્ધ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે “આવી હિંસા અમેરિકામાં વધી રહી છે, પરંતુ જ્યારે તે આપણા વિસ્તારમાં પહોંચે છે ત્યારે વધુ દુઃખદાયક બને છે.”
હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી, પરંતુ પોલીસે વીડિયો ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કર્યા છે. આ ઘટના અન્ય એક હત્યા સાથે જોડાયેલી છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે. કિરણ પટેલ ગુજરાતી મહિલા હોવાથી અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં આ ઘટનાથી શોકની લહેર ફરી છે. તેઓએ તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને પોલીસને ત્વરિત કાર્યવાહીની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *