
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મૈસુર ચામુન્ડી મંદિરમાં દશેરા ઉત્સવના ઉદ્ઘાટન માટે બુકર પુરસ્કાર વિજેતા બાનુ મુશ્તાકને આમંત્રણ આપવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરે યોજાશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે બુકર પુરસ્કાર વિજેતા લેખિકા બાનુ મુશ્તાકને આ વર્ષના મૈસુર દશેરા ઉત્સવના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવાને પડકારતી અરજી ફગાવી દીધી હતી. કર્ણાટકમાં દર વર્ષે યોજાતા મૈસુર દશેરા ઉત્સવનું ઉદ્ઘાટન બાનુ મુશ્તાક જ કરશે. અરજદાર તરફથી સીનિયર વકીલ પીબી સુરેશે દલીલ કરી હતી કે બિન-હિંદુ વ્યક્તિને પૂજા કરવાની મંજૂરી આપી શકાય નહીં. આ પછી જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે તેમની દલીલને ફગાવી દીધી હતી. એડવોકેટ સુરેશે દલીલ કરી હતી કે મંદિરની અંદર પૂજા કરવી એ બિનસાંપ્રદાયિક કાર્ય ગણી શકાય નહીં. તેમણે કહ્યું, “તે સંપૂર્ણપણે રાજકીય છે. ધાર્મિક ઉજવણી માટે તેમને મંદિરની અંદર લાવવાનું કોઈ કારણ નથી. જસ્ટિસ વિક્રમ નાથે ફરી અરજી ફગાવી. સીનિયર વકીલે ફરીથી આરોપ લગાવ્યો કે આમંત્રિત મહેમાન મુશ્તાકે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, તેથી આવી વ્યક્તિને આમંત્રણ આપી શકાય નહીં. જસ્ટિસ નાથે કહ્યું-“અરજી ફગાવવામાં આવે છે. અમે ત્રણ વાર ફગાવી છે. હજુ કેટલી વખત ફગાવીએ? ખરેખરમાં, કર્ણાટક હાઈકોર્ટે 16 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે કોઈ ચોક્કસ ધર્મ અથવા આસ્થાને અનુસરતી વ્યક્તિ દ્વારા બીજા ધર્મના તહેવારોમાં સામેલ થવું એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન નથી.
62 વર્ષીય બાનુ મુશ્તાક એક કન્નડ લેખિકા, સામાજિક કાર્યકર છે અને ખેડૂતોના આંદોલનો અને કન્નડ ભાષા આંદોલનો સાથે સંકળાયેલા છે. મે 2025માં, તેણે તેમની કહાની સંગ્રહ અડેયા હનાતે (Heart Lamp) માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે.
આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ દીપા ભસ્થ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્યની સિદ્ધારમૈયા સરકારે તેમના સાહિત્યિક અને સામાજિક યોગદાનને ધ્યાનમાં રાખીને આ વખતે દશેરાના ઉદ્ઘાટન માટે તેમને આમંત્રણ આપ્યું છે. અરજદારોએ દલીલ કરી હતી કે બાનુ માટે હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો ખોટું હશે, જેમાં પવિત્ર દીવો પ્રગટાવવો, દેવતાને ફળ-ફૂલ ચઢાવવા અને વૈદિક પ્રાર્થનાનો પાઠ કરવાનો સમાવેશ થાય છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવી વિધિઓ ફક્ત હિન્દુ દ્વારા જ કરી શકાય છે. જો કે, રાજ્ય સરકારે કહ્યું હતું કે આ એક રાજ્ય સમારોહ છે, કોઈ મંદિર કે ધાર્મિક સંસ્થાનો નહીં. તેથી, ધર્મના આધારે કોઈ ભેદભાવ કરી શકાય નહીં. આ ઉત્સવ દર વર્ષે યોજવામાં આવે છે. અગાઉ પણ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, લેખકો અને સ્વતંત્રતા સેનાનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કહ્યું કે મુશ્તાકને આમંત્રણ આપવાનો નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમાં વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ અને વિવિધ સરકારી અધિકારીઓ સામેલ હતા.
મૈસુર દશેરા ઉત્સવ 500 વર્ષ પહેલાં શરૂ થયો હતો. તે શક્તિશાળી વોડેયાર વંશના શાહી યુગની યાદમાં ઉજવવામાં આવે છે. 1610માં રાજા વોડેયાર પ્રથમે દેવી ચામુંડેશ્વરી (દુર્ગાનું એક સ્વરૂપ) ના સન્માન માટે તેની શરૂઆત કરી હતી, જેમણે પૌરાણિક કથાઓ અનુસાર મૈસુરમાં રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો અને આ પ્રદેશને બચાવ્યો. આ કહાની માત્ર સંભળાવવામાં આવતી નથી. તે 10 દિવસના ઉત્સવમાં ફરીથી કહેવામાં આવે છે.