આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ગામઠી થીમ સાથે તેમજ ભારતીય સૈન્યની શૌર્યગાથા ‘ઓપરેશન સિંદૂર‘ અને ‘વોકલ ફોર લોકલ‘ના વિચારને કેન્દ્રસ્થાને રાખી ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૫‘નું આયોજન
——–
૧૨૦૦૦ ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન, ૧૫૦૦૦ પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા, ૧ લાખ ચોરસ વારમાં વિશાળ પાર્કિગ, નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ માટે ૨૫૦૦ ચો. ફૂટના વિશાળ સ્ટેજ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા
——–
આઠમા નોરતે ૫૧૦૦૦ દિવડાથી વિશિષ્ટ આકૃતિના નિર્માણ સાથે દિવ્ય મહાઆરતી યોજાશે
——–
માટીકામ કલાને પ્રોત્સાહન આપવા અને આર્થિક મદદ કરવાના હેતુ સાથે મહાઆરતી માટે જરૂરી દિવડા બનાવવાનું કામ સખીમંડળના બહેનોને અપાશે
——–
પાંચમા અને છઠ્ઠા નોરતે ખેલૈયાઓ માટે મંડળી ગરબાનું વિશિષ્ટ આયોજન
——–
હસ્તકલા ઉપર નિર્ભર સખીમંડળોને ઉત્પાદનોના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ
——–
રેડક્રોસ સોસાયટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તમામ દિવસે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાશે
——–
મુક બધિર બાળકો, સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમના બાળકો, દિવ્યાંગો તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને સંલગ્ન સંસ્થાઓને તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે
——–
અદ્યતન ફૂડ કોર્ટમાં પાણી અને ખાદ્ય પદાર્થોનું બજાર ભાવે વેચાણ કરવામાં આવશે
——–
પરિસરમાં મનોરંજન માટે ૩૬૦ ડિગ્રી વિડિયો બુથ
——-
QR કોડ સ્કેન કરી ફેસ ડીટેકશનના માધ્યમથી ખેલૈયાઓ પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા ખેંચાયેલા તેમના ફોટો HD કવોલિટીમાં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે
——-
દશેરાએ કેસરિયા ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે
——-
જિલ્લામાં નંબર-૧ ટકાટક જોવાલાયક ગરબા પાસની માંગ, બૂમ શરૂ










ગાંધીનગર
જગતજનની માં અંબાની આરાધનાના પવિત્ર પર્વ અને સૌ ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રિ નિમિત્તે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં આયોજિત ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૫ અંતર્ગત સહાય ફાઉન્ડેશન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગર ભાજપના અધ્યક્ષ શ્રી આશિષકુમાર દવે, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ, શ્રી કેતનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ તેમજ ગરબા મહોત્સવના આયોજન સાથે સંકળાયેલા અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
‘કેસરિયા ગરબા નવરાત-૨૦૨૫ ના ભવ્ય આયોજન સંદર્ભે સહાય ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી કેતનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ગામઠી થીમ સાથે તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સૈન્યની શૌર્યગાથા ‘ઓપરેશન સિંદૂર‘ની સફળતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા ‘વોકલ ફોર લોકલ‘ના વિચારને કેન્દ્રસ્થાને રાખી ૨૨ સપ્ટેમ્બરથી થી ૧ ઑક્ટોબર ‘કેસરિયા ગરબા નવરાત-૨૦૨૫‘નું રામકથા મેદાન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દશેરાએ કેસરિયા ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણદહનનો કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગરના સૌથી મોટા ગરબા મહોત્સવ કેસરિયા ગરબામાં ૧૨૦૦૦ ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન, ૧૫૦૦૦ પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા, ૧ લાખ ચોરસ વારમાં વિશાળ પાર્કિગ, નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ માટે ૨૫૦૦ ચો. ફૂટના વિશાળ સ્ટેજ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વર્ષે કેસરિયા ગરબામાં પાંચમા અને છઠ્ઠા નોરતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આઠમા નોરતે દર વર્ષની જેમ ૫૧૦૦૦ દિવડાથી વિશિષ્ટ આકૃતિના નિર્માણ સાથે દિવ્ય મહાઆરતી યોજાશે. માટીકામ કલાને પ્રોત્સાહન આપવા અને આર્થિક મદદ કરવાના હેતુ સાથે મહાઆરતી માટે જરૂરી દિવડા બનાવવાનું કામ સખીમંડળના બહેનોને અપાશે. આ વર્ષે ટેકનોલોજીના માધ્યમના ઉપયોગ થકી કેસરિયા ગરબામાં ડિજિટલ પાસ એન્ટ્રી શરૂ કરવામાં આવનાર છે.
શ્રી કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેસરિયા ગરબામાં અદ્યતન ફૂડ કોર્ટમાં પાણી અને ખાદ્ય પદાર્થોનું બજાર ભાવે વેચાણ કરવામાં આવશે. ગરબે રમવા, નિહાળવા અને ખાણીપીણીની ઉત્તમ વ્યવસ્થા સાથે નાગરિકો માટે ૩૬૦ ડિગ્રી વિડિયો બુથ, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે ફોટો માટે ફોટો બુથની તેમજ અંગદાન મહાદાનની ચળવળને પ્રોત્સાહન આપતા ફોટો બુથની વ્યવસ્થા ઉભી કરાઈ છે. દર વર્ષની જેમ QR કોડ સ્કેન કરી ફેસ ડીટેકશનના માધ્યમથી ખેલૈયાઓ પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા ખેંચાયેલા તેમના ફોટો HD કવોલિટીમાં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. દરરોજ યુટ્યુબ અને ફેસબુક પર કેસરિયા ગરબાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
રેડક્રોસ સોસાયટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તમામ દિવસે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાશે તેમજ આ વર્ષે હસ્તકલા ઉપર નિર્ભર સખીમંડળોને ઉત્પાદનોના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યો છે. મુક બધિર બાળકો, સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમના બાળકો, દિવ્યાંગો તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને સંલગ્ન સંસ્થાઓને તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે તેમજ તેઓને અગવડતા ન થાય તે માટે બેઠકની અલગથી સુવિધા કરાશે. કેસરિયા ગરબા મહોત્સવ સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા રહેશે તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય મોડ પર રહેશે. હેડ કાઉન્ટ ટેકનોલોજી અને સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલાંસ રખાશે તેમજ ખાનગી સિક્યોરિટી અને પોલીસના જવાનો નાગરિકોની સુગમતા અને સલામતી માટે ખડેપગે રહેશે. જરૂર પડ્યે બ્રેથ એનેલાયઝરનો ઉપયોગ કરાશે.
આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે તેમજ સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલે પ્રાસંગિક સંબોધન કરી ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૫‘ ના આયોજન સંદર્ભે વિવિધ બાબતે છણાવટ કરી હતી તેમજ નાગરિકોના ભવ્ય પ્રતિસાદ અને સ્વયંસેવકોની મહેનતને બિરદાવી હતી.