
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાના ગળામાંથી 1.75 લાખની કિંમતનો દોઢ તોલાનો સોનાનો દોરો ઝૂંટવીને બાઇક સવાર ચેઇન સ્નેચર ફરાર થઈ ગયો હતો. આ ઘટના 18 સપ્ટેમ્બરના રોજ બની હતી, પરંતુ ડરના કારણે મહિલાએ ગઈકાલે(21 સપ્ટેમ્બર) તેના પતિ સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગરના કુડાસણની સમન્વય રેસીડેન્સીમાં રહેતાં રૂપલબેન જીગ્નેશભાઈ તન્ના ગત 18 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે સવા સાત વાગ્યે પોતાના ઘર નજીક શાકભાજી લેવા જઈ રહ્યા હતા. જેઓ ઘરથી આશરે 200 મીટરના અંતરે પહોંચતા જ પાછળથી એક બાઇક સવાર આવ્યો અને તેમના ગળામાં પહેરેલો સોનાનો દોરો ખેંચીને ભાગી ગયો હતો.
આ ઘટનાથી રૂપલબેને બૂમાબૂમ કરતા નજીકની શાકભાજીની દુકાનના માલિકે બાઇક સવારનો પીછો કર્યો હતો, પરંતુ તે પકડાયો ન હતો. બાઇકની ઝડપ વધુ હોવાથી તેનો નંબર કે રંગ પણ જાણી શકાયો ન હતો. સ્નેચર હેલ્મેટ પહેરેલો હોવાથી તેની ઓળખ પણ થઈ શકી નહોતી. રૂપલબેને પહેરેલો સોનાનો દોરો દોઢ તોલા વજનનો હતો, જેમાં તુલસીનો મણકો ફીટ કરેલું સોનાનું પેન્ડલ પણ હતું, જેની કિંમત આશરે 1.75 લાખ છે. આ બનાવથી ગભરાઈ ગયેલા રૂપલબેને જેતે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં તેમણે ગઇકાલ મોડી સાંજે પોતાના પતિ સાથે જઈને ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.