
અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના તહેવાર અને સામાન્ય દિવસોમાં મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે પરંતુ ભદ્ર મંદિરની બહાર પાથરણાંવાળાઓ બેસી જાય છે જેના કારણે લોકોને અવર-જવરમાં તકલીફ પડે છે. ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે. ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે એસ્ટેટ વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલસામાન ગાડીમાં ભર્યો હતો. ત્યારે સેવા સંસ્થાની મહિલાઓ અને કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બોલાચાલી તેમજ દાદાગીરી કરીને સામાન ઉતારી લીધો હતો. આ મામલે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે.
લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી દેવીના મંદિરની બહાર પાથરણાંવાળાઓ બેસે છે. ભદ્ર પ્લાઝા પરિસરમાં પાથરણા બજારના કારણે ખૂબ ભારે ભીડ થાય છે. મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે મંદિર પરિસર પાસે બેસી રહેલા પાથરણાંવાળાઓને હટાવ્યા હતા પરંતુ ફરી પાછા પાથરણાંવાળાઓ આવી ગયા હતા. જેના કારણે સેવા સંસ્થાની મહિલાઓ અને અન્ય કેટલાક લોકોએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ અને બોલાચાલી કરી હતી. એસ્ટેટ વિભાગની ગાડીમાં દબાણનો સામાન ભરી લેવામાં આવ્યો હતો જેને ઉતારી લેવામાં આવ્યો હતો.
મંદિર પરિસરમાં બેસતા કિન્નરોને પણ મહિલાઓએ બોલાવીને તેમના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી હતી. કોર્પોરેશનની ટીમ સાથેની એસઆરપી પોલીસે તેમને સમજાવ્યા હતા છતાં પણ તેમની સાથે માથાકૂટ કરી હતી. ભદ્ર મંદિરની સામેના ભાગે જ કારંજ પોલીસ સ્ટેશન આવેલું છે છતાં પણ પોલીસ કર્મચારીઓએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નહોતું. મંદિરે દર્શન કરવા માટે રોજના મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ મંદિરની આગળના ભાગે જ પાથરણાંવાળાઓ પોતાના સામાન લઈને બેસી જાય છે. લોકો પોતાનું વાહન લઈને ભદ્રપ્લાઝા સુધી આવી ન શકે એટલી મોટી સંખ્યામાં પાથરણાંવાળાઓ બેસી જાય છે. મંદિરની સામેના ભાગે પણ જવાના રોડ ઉપર બેસી જવાના કારણે લોકો મંદિરમાં જઈ શકતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ ત્યાં કેટલાક સ્થાનિક લોકો અને પાથરણાંવાળાઓ દાદાગીરી કરવા લાગે છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને અવારનવાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સતત આ બાબતે કામગીરી કરવા જણાવવામાં આવે છે ત્યારે એસ્ટેટ વિભાગની ટીમ દબાણો દૂર કરે છે પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી. જેના કારણે એસ્ટેટ વિભાગની સાથે ઘર્ષણના અવારનવાર બનાવો બનતા હોય છે. ભદ્ર પ્લાઝામાં કાયદેસર રીતે જે જગ્યામાં પાથરણાંવાળાઓને બેસવા માટેની જગ્યા આપી છે તેની જગ્યાએ આખા રોડ ઉપર દબાણ કરીને પાથરણાંવાળાઓ બેસી જાય છે. રાયખડ ચાર રસ્તા તરફથી આવીને બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ભદ્રકાળી મંદિર તરફ આવવા જવાના રોડ ઉપર અને લાલદરવાજા વીજળી ઘર તરફથી પણ મંદિર તરફ આવતા પાથરણાંવાળાઓ રોડ ઉપર હોવાના કારણે થઈને લોકોને વાહન લઇ અવર-જવર કરવામાં પણ તકલીફ પડે છે.
પાથરણાંવાળાઓ ગેરકાયદેસર રીતે બેસી જાય છે તેની સાથે સાથે રિક્ષાવાળાઓનો પણ ખૂબ ત્રાસ જોવા મળે છે. રિક્ષાવાળાઓ મંદિર પરિસર પાસે જ પોતાની રિક્ષાઓ લઈને ફરતા હોય છે અને ગમે ત્યાં ઉભી રાખી દેતા હોય છે. જેના કારણે થઈને પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. કારંજ પોલીસ અને ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બાબતે કોઈ કાર્યવાહી નથી કરતી જેના કારણે થઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સૂત્રો મુજબ કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રે બધું બંધ કરાવવામાં આવે છે પરંતુ દિવસે જ્યાં નગરદેવી ભદ્રકાળી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક પોલીસ અને તેના ખાસ માણસની પાથરણાંવાળાઓ સાથે મિલીભગત હોય છે જેના કારણે થઈને કડક કાર્યવાહી થતી નથી. ત્યારે હવે ભદ્ર પ્લાઝામાં દબાણ દૂર કરવા ગયેલા એસ્ટેટના અધિકારીઓ સાથે થયેલી આ માથાકૂટને લઈને હવે કારંજ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી છે.