
ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલ યુવકનો સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ધરપકડ કરી છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક પોતાના બર્થ ડે નિમિત્તે યુવતી સાથે મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતો. આ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણીનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
મહિલા પીઆઇ માધુરી ગોહેલની ટીમે આરોપીને ઝડપી લીધો છે. આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચની 5 ટીમ કામે લાગી હતી. જેમાં પીઆઇ મેહુલ ચૌહાણ,પીઆઇ જયેશ મકવાણા,પીઆઇ માધુરી ગોહેલ,પીઆઇ આઈ.એન ઘાસુરા દિવસ રાત કામે લાગ્યા હતા.
આરોપી વિપુલ પ્રેમી પંખીડાઓને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવતો
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઉભા રહેતા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહતા. જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન નહોતા થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે, અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા. બંનેના લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો. જેમા તેને સતત એવુ લાગતું હંતુ કે, તેની સાવકી માતા તેના લગ્ન થવા દેતી નથી. પરિણામે મનો વિકૃત બની ગયો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યુ હતુ કે કડાદરા વિષ્ણુભાઇ પરમાર સીઆરપીએફમા નોકરી કરતા હતા. ત્યારે તેમની પહેલી પત્નિથી વિપુલ નામનો એક દીકરાનો જન્મ થયો હતો. પરિણામે તેના લગ્ન નહીંથતા તે પ્રેમી યુગલો જોઇને ગુસ્સે ભરાતો હતો અને તે કંઇ પણ સમજે તે પહેલા તેમના પર છરીથી હુમલો કરતો હતો.
તેની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેની સાવકી માતા તેને સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે ઉશ્કેરાયેલો રહેતો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પર તેણે પોતાનુ નામ લગ્ન માટે નોંધાવ્યું હતું. જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો.
જન્મદિવસની ઉજવણી પહેલાં સિંધુભવન રોડ પર કરી
અડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક-યુવતી શુક્રવારે મોડી રાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સે બંનેને માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લુટારુએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. લુટારુ રોકડ, મોબાઇલ અને અન્ય મતા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે થોડે દૂર કાર બંધ થઈ જતાં મૂકીને નાસી છૂટ્યો હતો.
મૉલમાં નોકરી કરતી ઈજાગ્રસ્ત યુવતીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે પ્રમાણે તેના હાંસોલ રહેતા 25 વર્ષના મિત્ર વૈભવ શંકર મનવાણીનો જન્મ દિવસ હતો એટલે તેને મળવા શુક્રવારે સાંજે મોટેરા મેટ્રો સ્ટેશને ટૂ વ્હીલર મૂકીને મેટ્રોમાં બેસી સીજી રોડ ગઈ હતી. ત્યાંથી વૈભવની સ્કોડા કારમાં અન્ય બે મિત્ર અને યુવતી એમ ચારેય લોકો સિંધુભવન રોડ પરના એક કાફેમાં ગયા હતા. ત્યાં નાસ્તો કરીને 11.45 વાગે પરત ફર્યા હતા અને બંને મિત્રોને ઘર નજીક ઉતારી યુવતી અને વૈભવ કારમાં તપોવન સર્કલથી ગાંધીનગર તરફ જવાના રોડ પર આવેલા મેટ્રોના કેબલ બ્રિજ નીચે નર્મદા કેનાલની બાજુમાં સર્વિસ રોડ પર કાર ઊભી રાખીને વાતચીત કરતા હતા.
લગભગ 15 મિનિટ પછી અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને એકદમ પાછળનો દરવાજો ખેંચીને ખોલી દીધો હતો. તેમજ પૈસા કે દાગીના જે હોય તે આપી દેવાની ધમકી આપી હતી. વૈભવે તેનો પ્રતિકાર કરતાં ઝપાઝપી થઇ હતી. તે દરમિયાન શખ્સે છરીથી વૈભવને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેને બચાવવા વચ્ચે પડતાં યુવતીને પણ 3 જેટલા ઘા ઝીંકી દીધા હતા. જેથી ગભરાઇને યુવતીએ બંનેના મોબાઇલ, ઘડિયાળ, પર્સ અને ઇમિટેશન જ્વેલરી સહિત 52 હજારની ચીજવસ્તુ આપી દીધી હતી. જે લઇને લુટારુ વૈભવની કાર લઈ ભાગ્યા પણ થોડે દૂર કાર બંધ થઇ જતાં ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો.