
વરસાદથી જિલ્લાના 34 ગામોના 50 કિમીના માર્ગોની હાલત ભંગાર જેવી હાલત થઇ જવા પામી હતી. ભંગાર બનેલા રોડને પગલે વાહન ચાલકોને પસાર થવામાં સાત કોઠા વિંધવા જેવી સ્થિતિ બની જવા પામી છે. ત્યારે ભંગાર બનેલા જિલ્લાના 34 ગામોના 50 કિમીના માર્ગોને રૂપિયા 42 કરોડના ખર્ચે રિસરફેશ કરીને ચકાચક બનાવવામાં આવશે. જેનાથી સ્થાનિક વાહન ચાલકોને અવર જવરમાં પડતી હાલાકીને દુર થશે. ચાલુ વર્ષે વરસાદની સતત હાજરીને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા નાના અને મુખ્ય માર્ગોની હાલત ભંગાર જેવી હાલત બની જવાથી વાહન ચાલકોને પારાવાર હાલાકી વેઠવાની સાથે સાથે કમરના મણકા તૂટે તેવી હાલત બની ગઇ હતી. ત્યારે વાહન ચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રોડને પેવરકામ કરીને ચકાચક કરવાની માંગણી ઉઠવા પામી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારના ભંગાર માર્ગોને ચકાચક કરવા માટે ખાસ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તેમાં જિલ્લાના દહેગામ, માણસા, ગાંધીનગર અને કલોલ તાલુકાના કુલ-34 ગામોના નાના અને મોટા માર્ગોને રિસરફેશ કરવા માટે રૂપિયા 42 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં કલોલ તાલુકાના ચાર અને દહેગામ તાલુકાના 4 ગામોના 9.13 કિમીના માર્ગોને રૂપિયા 7.73 કરોડના ખર્ચે રોડને ચકાચક કરવામાં આવશે. જ્યારે દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકાના કુલ-29.20 કિમીના માર્ગને ચકાચક કરવા માટે રૂપિયા 24.07 કરોડની ગ્રાન્ટ વાપરવામાં આવશે. જ્યારે દહેગામ તાલુકાના વધુ પાંચ ગામના 10.30 કિમીના માર્ગને રિસરફેશ કરવા માટે રૂપિયા 10.10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગામોના નાના અને મોટા માર્ગોનું રિસરફેશ કરવામાં આવતા વાહન ચાલકોને ઉબડ ખાબડ માર્ગમાંથી છુટકારો મળશે.