
રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ ખોલવાની ધડાધડ મંજુરી આપ્યા બાદ તેના ઉપર દેખરેખ રાખવા માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોની ભરતી કરવામાં આવી નથી. આથી રાજયભરમાં 55 હજાર મેડિકલ સ્ટોર્સની સામે હાલમાં માત્ર 40 ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગલીએ ગલીએ ચાલતા મેડિકલ સ્ટોર્સ કાયદેસર છે કે ગેરકાયદેસર તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે 100 મેડિકલ સ્ટોર્સે 1 ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતીનો નિયમ છે. ત્યારે લોકોના આરોગ્ય અને મેડિકલ સ્ટોર્સને ધ્યાનમાં રાખીને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી તાકિદે કરવામાં આવે તેવી અપેક્ષા ફાર્માસિસ્ટ એસોસિએશન રાખી રહ્યું છે.
લોકોના આરોગ્યની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ ખોલવાની મંજુરી આપવામાં આવે છે. જોકે રાજ્યની 6.50 કરોડની વસ્તીના આરોગ્યની સામે મેડિકલ સ્ટોર્સ દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે કે નહી તેની દેખરેખ માટે પુરતા પ્રમાણમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોની જગ્યાઓ ભરેલી નથી. હાલમાં રાજ્યભરમાં 55 હજાર જેટલા મેડિકલ સ્ટોર્સ ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર સુધી ધમધમી રહ્યા છે. તેની સામે મેડિકલ સ્ટોર્સ ઉપર દેખરેખ રાખવા માટે માંડ 40 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હાલમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે પ્રતિ 100 મેડિકલ સ્ટોર્સની ઉપર દેખરેખ માટે 1 ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની નિમણુંક કરવાનો નિયમ હોવાનો ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને આક્ષેપ કર્યો છે.
મેડિકલ સ્ટોર્સ ઉપર દેખરેખ રાખવા માટે પુરતા પ્રમાણમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો નહી હોવાથી ગલીએ ગલીએ ચાલતા મેડિકલ સ્ટોર્સ કાયદેસર છે કે ગેરકાયદે તેવા પ્રશ્નો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. ત્યારે લોકો મેડિકલ સ્ટોર્સની ઉપરથી વિશ્વાસ રાખીને દવાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે લોકોનો વિશ્વાસ દવાના મામલે વિશ્વાસ સંપાદન થાય તેના માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોની તાકિદે ભરતી કરવામાં આવે તેની માંગણી સાથે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર, સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના પ્રમોશન આપવા તેમજ મશેલકર કમિટીના સૂચના મુજબ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરનું મહેકમ વધારીને ભરતી કરવામાં આવે તેવી માગ છે.