
ગાંધીનગરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- સીબીએસઇ દ્વારા પોતાની ઓફિસ શરૂ કરવા માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ- ગુડા પાસેથી જમીનની માંગણી કરવામાં આવી છે. આ માટે ટીપી- 9એમાં 9680 ચોરસમીટર ક્ષેત્રફળનો પ્લોટ પસંદ કરવામાં આવ્યો છે. જેની સામે ગુડાએ આ જમીનની કિંમત 121 કરોડ રૂપિયા નિયત કરી છે. સંસ્થા દ્વારા આ જમીનની કિંમત ભરપાઇ કરવામાં આવશે તે પછી જ પ્લોટની ફાળવણી કરવામાં આવશે. આ પ્લોટ વાણિજ્ય હેતુથી વેચાણ માટે રીઝર્વ રાખવામાં આવ્યો હોવાથી લેન્ડ પ્રાઇઝ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત સીબીએસઇ પાસેથી વસૂલાશે.
વાસણા હડમતીયા, સરગાસણ, ઉવારસદ અને તારાપુરના વિસ્તારોને સમાવતી ટીપી-9એ મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવી છે પરંતુ આ ટીપીમાં વેચાણ માટે રીઝર્વ રાખવામાં આવેલા પ્લોટ ગુડા હસ્તક છે. જેની સમયાંતરે હરાજી પણ કરવામાં આવે છે. આ ટીપીમાં ફાઇનલ પ્લોટ નં.155 કે જે 9680 ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવે છે તેની માંગણી સીબીએસઇ દ્વારા પોતાના ઓફિસનું બિલ્ડીંગ બનાવવા માટે કરવામાં આવી છે.
આ પ્લોટ વેચાણના હેતુ માટે રીઝર્વ રાખવામાં આવ્યો છે અને તે વાણિજ્ય હેતુ માટેનો છે. જમીનના વેચાણ કે ફાળવણી વખતે લેન્ડ પ્રાઇઝ કમિટી દ્વારા બેઠક યોજીને તે વિસ્તારની વાણિજ્ય કે રહેણાંક હેતુની ચોરસમીટર દીઠ તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે. જે મુજબ લેન્ડ પ્રાઇઝ કમિટી દ્વારા સીબીએસઇ દ્વારા માંગણીકરાયેલા પ્લોટની પ્રતિ ચોરસમીટરની કિંમત 1.25 લાખ રૂપિયા નિયત કરવામાં આવી છે. જેથી આ પ્લોટની કુલ કિંમત 121 કરોડ રૂપિયા જેટલી થશે. આ કમિટી દ્વારા સીબીએસઇ દ્વારા માંગવામાં આવેલી જગ્યાની કિંમત નક્કી કરવામાં આવ્યા બાદ સીબીએસઇ દ્વારા નિયત થયેલી કિંમતની ભરપાઇ કરવામાં આવે તે પછી જ જમીનની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.