
હાલ નવરાત્રી ટાણે જ શહેરમાં રોગચાળો વ્યાપક બન્યો છે. જેના પગલે સિવિલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. મેડીસીન ઓપીડીમાં બમણો વધારો થતાં દરરોજ 1 હજાર દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જ્યારે ઇનડોર મેડિસિન વોર્ડની 220 બેડની કેપેસિટી ફુલ થઇ જવાથી દર્દીઓને અન્ય વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે. સામાન્ય દિવસો કરતા ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઇ જવા પામતા દર્દીઓને ઓપીડી કે ઇન્ડોર સારવાર આપવી તેવી અસમંજસ ભરેલી સ્થિતિ તબિબોની બની રહી છે. શરદી, ખાંસી અને તાવ જેવી વાયરલ બિમારીના કેસોમાં ઉછાળો આવતાં ગાંધીનગર સિવિલમાં સામાન્ય દિવસો કરતા મેડિસિન વિભાગની ઓપીડીમાં બમણો વધારો થવા પામ્યો છે. તેમાં સામાન્ય દિવસોમાં ઓપીડી 500થી 600ની આસપાસ રહેતી હતી. જ્યારે તે હાલમાં 1000થી 1200 જેટલી ઓપીડી મેડિસીન વિભાગની રહે છે. વાયરલ બિમારીમાં શરદી અને ખાંસીની સામે હાલમાં તાવના કેસોમાં 70 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તાવની બિમારીનું પ્રમાણ વધવાની પાછળ મચ્છરની ઉત્પત્તિનું કારણ જવાબદાર છે. સામાન્ય રીતે મચ્છરની ઉત્પત્તિ માટે હાલનું વાતાવરણ ફેવરેબલ બની રહે તેવું છે. કેમ કે નગરનું વાતાવરણ છેલ્લા બે માસથી 25થી 35 ડીગ્રીની વચ્ચે નગરનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન રહેતા મચ્છરની ઉત્પત્તિ માટે ફેવરેબલ વાતાવરણ હોવાથી તાવની બિમારીના કેસમાં ઉછાળાનું મુખ્ય કારણ છે.
મેડિસીન વિભાગનો ઇન્ડોર વોર્ડની 220 બેડની કેપેસીટી હાલમાં હાઉસફુલ થઇ જવાથી ઇન્ડોર સારવાર માટે દર્દીઓને દાખલ કરવા પડી રહ્યા છે. ત્યારે સર્જરી, ઇએનટી અને આંખ વિભાગમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. દર્દીઓના ધસારાને જોતા ઇન્ડોર વોર્ડના દર્દીઓને રજા આપવાની ગતિમાં પણ વધારો કરવાની ફરજ પડી રહી છે.હાલ સિવિલમાં દર્દીમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં દરરોજની ઓપીડી 3000ની આસપાસ રહે છે. જ્યારે તેની સામે મેડિસીન વિભાગની જ ઓપીડી 1000થી 1200 દર્દીઓ સારવાર અને નિદાન લઇ રહ્યા છે. કુલ ઓપીડીમાંથી 33થી 34 ટકા દર્દીઓનો હિસ્સો તો માત્રને માત્ર મેડિસીન વિભાગના દર્દીનો છે. દર્દીઓના ધસારા વચ્ચે ઇન્ડોર વોર્ડ પણ હાઉસ ફુલ થઇ જતા દર્દીઓને ઓપીડી કે ઇન્ડોર સારવાર કરાવવી તેવી મુંઝવણ છે. સામાન્ય રીતે દર વર્ષે નવરાત્રી પછી સિવિલ હોસ્પિટલમાં વાયરલ બિમારીના કેસોમાં ઉછાળો આવતો હોય છે. જ્યારે બહારનું તળેલું અને જંકફુડ ખાવાને તેમજ થાક અને ઉજાગરાના કારણે બિમારીના કેસોમાં ઉછાળો આવતો હોય છે. વધુમાં ચાલુ વર્ષે થોડા થોડા સમયે વરસાદ પડે પછી ગરમી પડે જેનાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉંચું રહેવાથી મચ્છરની ઉત્પત્તિ માટે ફેવરેબલ વાતાવરણ હોવાથી તાવના કેસોમાં ઉછાળો આવતો હોવાનું જાણવા મળ્યું છે ઓપીડીમાં કેસનો વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ મેડિસીન વિભાગમાં 50 ટકા સ્ટાફની ઘટ એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, રેસિડન્ટ તબિબોની જગ્યાઓ ખાલી છે. જોકે જગ્યાઓ ખાલી રહેવાની પાછળ સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબિબોને નોકરી જ કરવી નહી હોવાથી થોડા મહિના પ્રેક્ટિસ કરીને ખાનગી હોસ્પિટલોમાં જતા રહેતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.