
રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્ર દરમિયાન એક પ્રેસ બ્રીફિંગમાં રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, ‘ભારતીય વડાપ્રધાન અને વિદેશમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત પોતાના ભાગીદાર દેશોની પસંદગી પોતે કરે છે.’
લાવરોવે આ નિવેદન ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફના જવાબમાં આપ્યું હતું. તેમણે કહ્યું, “ભારત-રશિયા આર્થિક ભાગીદારી માટે કોઈ ખતરો નથી. અમારા સંબંધો સંપૂર્ણપણે સલામત છે.” રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે વધુમાં કહ્યું, “જો અમેરિકા પાસે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર વધારવાના રસ્તા હોય, તો તેઓ અમેરિકાની શરતોને ધ્યાનમાં લીધા વિના તે શરતો પર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ જ્યારે ભારત અને ત્રીજા દેશો વચ્ચે વેપાર, રોકાણ, આર્થિક, સુરક્ષા, ટેકનોલોજી અને અન્ય સંબંધોની વાત આવે છે, ત્યારે ભારત ફક્ત તે દેશો સાથે જ આ અંગે ચર્ચા કરે છે.”
રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પર ભાર મૂકતા કહ્યું-“અમે ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિનો આદર કરીએ છીએ. ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી છે, જે હવે મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણમી છે. રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે વધુમા કહ્યું, “અમારી પાસે નિયમિત વાતચીત થાય છે. હું એ નથી પૂછતો કે આપણા વેપાર સંબંધોનું, આપણા તેલનું શું થશે. તેઓ આ નિર્ણયો પોતે લેવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે,” સેરગેઈ લાવરોવે ચીનમાં SCO સમિટમાં પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. તેમણે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર બંને દેશો વચ્ચે ગાઢ સહયોગનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે, જ્યાં વેપાર, લશ્કરી, તકનીકી સહયોગ, નાણાં, આરોગ્ય, ઉચ્ચ-ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI) અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરવામાં આવશે. સેરગેઈ લાવરોવે કહ્યું, “અમારો દ્વિપક્ષીય એજન્ડા ખૂબ વ્યાપક છે. અમે SCO, BRICS અને અન્ય ફોરમમાં સાથે મળીને કામ કરીએ છીએ.” રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લવરોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ટેકો આપ્યો છે. તેમણે શનિવારે UNGA માં કહ્યું હતું કે રશિયા ઇચ્છે છે કે ભારત અને બ્રાઝિલને UNSC માં કાયમી બેઠકો મળે. તેમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) અને BRICS જેવા જૂથોના મહત્વ પર પણ ભાર મૂક્યો, અને કહ્યું કે તેઓ વિકાસશીલ દેશો (ગ્લોબલ સાઉથ) ના હિત માટે સાથે મળીને કામ કરવાનો ઉત્તમ માર્ગ છે.
ભારતીય વિદેશ મંત્રી જયશંકરે 21 ઓગસ્ટના રોજ મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ, તેમણે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત નહીં પણ ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. એસ જ્યશંકરે કહ્યું હતું કે, “યુરોપિયન યુનિયન (EU) રશિયા પાસેથી LNG (કુદરતી ગેસ) ખરીદવામાં આગળ છે. તે જ સમયે, કેટલાક દક્ષિણ દેશો 2022 પછી રશિયા સાથે વેપાર વધારવામાં ભારત કરતા આગળ છે. છતાં, ભારત પર ઊંચા ટેરિફ સમજવા જેવા નથી.” જયશંકરે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. જયશંકરે ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રશિયન તેલ ખરીદવાને વાજબી ઠેરવ્યું. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં સૌથી સ્થિર સંબંધોમાંના એક રહ્યા છે. બંને દેશો વેપારને સંતુલિત કરવા માટે ભારતથી રશિયામાં કૃષિ, દવા અને કાપડની આયાત વધારવા સંમત થયા. જયશંકરે કહ્યું કે ભારત અને રશિયા વેપારમાં બિન-ટેરિફ અવરોધોને દૂર કરવા અને નિયમનકારી મુદ્દાઓને ઝડપથી ઉકેલવા માટે કામ કરશે. આનાથી ભારતની આયાત વધશે અને વેપાર ખાધ ઘટશે.